19 January, 2026 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય દત્ત મુંબઈના રસ્તા પર જોવા મળ્યો દુબઈથી આવેલી મોંઘીદાટ ટેસ્લા સાઇબરટ્રકમાં
સંજય દત્ત હાલમાં મુંબઈના રસ્તા પર ટેસ્લા સાઇબરટ્રક જેવી મોંઘેરી કાર સાથે જોવા મળ્યો હતો. સોશ્યલ મીડિયા પર શૅર થયેલાં સંજયના આ કાર સાથેના વિડિયો અને તસવીરોમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું એની નંબર-પ્લેટે. ભારતમાં હજી આ કારનું વેચાણ શરૂ નથી થયું એટલે એવું લાગી રહ્યું છે કે આ કાર ભારતમાંથી અધિકૃત રીતે ખરીદવામાં આવી નથી, પરંતુ એને ઇમ્પોર્ટ કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ નંબર-પ્લેટના આધાર પર અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ ગાડી દુબઈથી ઇમ્પોર્ટ કરવામાં આવી હોઈ શકે છે. આવી સ્થિતિમાં એવી ધારણા બાંધવામાં આવે છે કે આ કાર ભારત સુધી કાર્નેટ પરમિટ દ્વારા લાવવામાં આવી હશે.
કાર્નેટ પરમિટ એવી પ્રક્રિયા છે જેના માધ્યમથી કોઈ વ્યક્તિ વિદેશની કારને ડ્યુટી ચૂકવ્યા વગર ભારત લાવી શકે છે અને મર્યાદિત સમયગાળા માટે એનો ઉપયોગ કરી શકે છે. કાર્નેટ પરમિટ હેઠળ લોકો ૬ મહિના સુધી વિદેશથી લાવવામાં આવેલી ગાડીઓને ભારતમાં ચલાવી શકે છે.
ટેસ્લા સાઇબરટ્રક તમામ
સેફ્ટી-માપદંડોનું પાલન કરે છે. આ કારણે એને વર્ષનાં સૌથી હાઇ-રેટેડ ઇલેક્ટ્રિક વાહનોમાંનું એક ગણવામાં આવી રહ્યું છે. કિંમતની વાત કરીએ તો ટેસ્લા સાઇબરટ્રકની હજી સુધી ભારતમાં અધિકૃત એન્ટ્રી થઈ નથી, પરંતુ જો એને ઇમ્પોર્ટ કરવામાં આવે તો ડ્યુઅલ મોટર વેરિઅન્ટની કિંમત આશરે ૧.૫૦ કરોડથી ૧.૮૦ કરોડ રૂપિયા સુધી જઈ શકે છે અને ટ્રિપલ મોટર સેટઅપ ધરાવતા મૉડલની કિંમત ૨.૧૦ કરોડથી ૨.૫૦ કરોડ રૂપિયા સુધી પહોંચે એવી શક્યતા છે.