કૅન્સરનું નિદાન થતાં કીમોથેરપી લેવાની ના પાડી હતી સંજય દત્તે

14 January, 2023 07:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય દત્તે જણાવ્યું હતું કે તેને જ્યારે કૅન્સરનું નિદાન થયું હતું ત્યારે તેણે કીમોથેરપી લેવાની ના પાડી દીધી હતી અને કહ્યું કે મૃત્યુ ભલે થાય, પરંતુ સારવાર નહીં લે.

સંજય દત્ત

સંજય દત્તે જણાવ્યું હતું કે તેને જ્યારે કૅન્સરનું નિદાન થયું હતું ત્યારે તેણે કીમોથેરપી લેવાની ના પાડી દીધી હતી અને કહ્યું કે મૃત્યુ ભલે થાય, પરંતુ સારવાર નહીં લે. તેને જ્યારે કૅન્સર વિશે કહેવામાં આવ્યું ત્યારે તેની આસપાસ કોઈ નહોતું. તે એકલો જ હતો. 
સંજય દત્તને જ્યારે કૅન્સર થયું હોવાની માહિતી મળી ત્યારે તે ‘KGF : ચૅપ્ટર 2’નું શૂટિંગ કરી રહ્યો હતો. સાથે જ તેણે એમ પણ જણાવ્યું કે કૅન્સરની બીમારીને લઈને તેણે કંઈ પણ નથી છુપાવ્યું. કરીઅરની ચિંતા કર્યા વગર તેણે એ વિશે મુક્તપણે બોલવાનું નક્કી કર્યું હતું.
એ ​વિશે વિસ્તારમાં સંજય દત્તે કહ્યું કે ‘મને પીઠમાં દર્દ થતું હતું અને એથી હું હૉટ વૉટર બૉટલ અને પેઇનકિલર્સ લેતો હતો. જોકે એક દિવસ મને શ્વાસમાં તકલીફ થવા લાગી તો મને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. મારી વાઇફ, મારી ફૅમિલી કે પછી મારી બહેનો પણ મારી આસપાસ નહોતાં. હું એકલો હતો અને અચાનક એક વ્યક્તિએ આવીને મને કહ્યું કે ‘તમને કૅન્સર છે.’ મારી વાઇફ દુબઈમાં હતી એથી મારી બહેન પ્રિયા દત્ત મારી પાસે આવી. મારું આખું જીવન મારી આંખ સામે તરવરવા લાગ્યું. મારી ફૅમિલીમાં કૅન્સરની હિસ્ટરી છે. મારી મમ્મીનું પૅન્ક્રીએટિકના કૅન્સરને કારણે અવસાન થયું હતું. મારી પહેલી વાઇફ રિચા શર્માનું બ્રેઇન કૅન્સરને કારણે અવસાન થયું હતું. એથી પહેલી વાત મારા દિમાગમાં એ આવી કે મારે કીમોથેરપી નથી લેવી. જો હું મરવાનો હોઈશ તો ભલે મરી જાઉં, પરંતુ કોઈ સારવાર તો નહીં લઉં.’

bollywood news sanjay dutt entertainment news