બાંદરામાં ૧૯ ફ્લોરની હોટેલ બનાવશે સલમાન ખાન

21 May, 2023 05:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અગાઉ એ પ્રૉપર્ટીને રેસિડેન્શિયલ બિલ્ડિંગ બનાવવાની યોજના હતી, પરંતુ બાદમાં હવે ત્યાં હોટેલ બનાવવાનું નક્કી થયું છે. સલમાન ખાનની મમ્મી સલમા ખાનના નામે આ પ્રૉપર્ટી છે

ફાઇલ તસવીર

બાંદરાના કાર્ટર રોડ પર સલમાન ખાન ૧૯ ફ્લોરની હોટેલ બનાવવાનો છે એવો રિપોર્ટ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ બીએમસીએ એ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં એનું કામ શરૂ થશે. આ આલીશાન હોટેલ જ્યાં બનવાની છે ત્યાં અગાઉ એક નિર્જન મકાન હતું. એને તોડીને કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરવામાં આવશે. આ હોટેલમાં ત્રણ લેવલનાં બેઝમેન્ટ્સ હશે. પહેલા અને બીજા ફ્લોર પર કૅફે અને રેસ્ટોરાં બનશે. ત્રીજા ફ્લોર પર જિમ્નૅશ્યમ અને સ્વિમિંગ-પૂલ હશે. ચોથા ફ્લોર પર સર્વિસ અને પાંચમા તથા છઠ્ઠા ફ્લોર પર કન્વેન્શન સેન્ટર હશે. ૭માથી માંડીને ૧૯ ફ્લોર સુધી રૂમ્સ બનાવવામાં આવશે. ખાસ વાત એ છે કે આ પ્લૉટ આમિર ખાનના ઘરથી માત્ર ૨૦૦ મીટરના અંતરે છે. અગાઉ એ પ્રૉપર્ટીને રેસિડેન્શિયલ બિલ્ડિંગ બનાવવાની યોજના હતી, પરંતુ બાદમાં હવે ત્યાં હોટેલ બનાવવાનું નક્કી થયું છે. સલમાન ખાનની મમ્મી સલમા ખાનના નામે આ પ્રૉપર્ટી છે.

entertainment news bollywood news Salman Khan