22 February, 2026 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન પિતા સલીમ ખાન સાથે
સલમાન ખાનના ૯૦ વર્ષીય પિતા સલીમ ખાનને બ્રેઇન-હૅમરેજ બાદ લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં સલીમ ખાનની તબિયત અંગે અનેક સમાચાર સામે આવવા લાગ્યા હતા. એ સમયે તેમની સારવાર સંભાળતા ડૉ. જલીલ પારકરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સલીમ ખાનની હાલત સ્થિર છે, પરંતુ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
જોકે સલીમ ખાનની તબિયતની વિગતો જાહેર થતા સલમાન નારાજ થયો હતો અને પરિવારજનોએ પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. પરિવારે સ્પષ્ટ કર્યું છે કે સલીમ ખાનના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈ પણ માહિતી હવે જાહેરમાં શૅર કરવામાં આવશે નહીં.
મળતી માહિતી પ્રમાણે સલમાન અને પરિવારે પોતાની લાગણી સીધી હૉસ્પિટલ પ્રશાસન સુધી પહોંચાડી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ડૉક્ટરનું જાહેર નિવેદન તેમને સ્વીકાર્ય નથી અને હવે આગળ કોઈ પણ માહિતી જાહેર ન કરવામાં આવે. હૉસ્પિટલ સામાન્ય રીતે હાઈ-પ્રોફાઇલ દરદીઓ અંગે નિયમિત અપડેટ આપે છે, પરંતુ આ કેસમાં પરિવારની ઇચ્છાનું માન રાખવા સંમત થઈ હોવાનું કહેવાય છે. સલીમ ખાનનો પરિવાર હાલ તેમની સારવાર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે અને ગોપનીયતા જાળવવાની અપીલ કરી રહ્યો છે.