સલમાને દાનમાં આપેલી ૨૦૦ વૉટર ટૅન્ક વપરાયા વિના જ પડી રહી

07 June, 2013 03:10 AM IST  | 

સલમાને દાનમાં આપેલી ૨૦૦ વૉટર ટૅન્ક વપરાયા વિના જ પડી રહી


સલમાન ખાનની સંસ્થા બીઇંગ હ્યુમન ફાઉન્ડેશને છ મેએ આ વૉટર ટૅન્ક આપી હતી, જે હજી પણ બીડ જિલ્લાના ઇરિગેશન ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ સબ-એન્જિનિયરની ઑફિસમાં પડી રહી છે. વૉટર ટૅન્કો સપ્લાય થયાને એક મહિનો થઈ ગયો હોવા છતાં પણ એક પણ ટૅન્ક પાણીની તીવþ અછતનો સામનો કરી રહેલા ગામને અપાઈ નથી.

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ દસ વૉટર ટૅન્ક આપી હતી અને એ પણ વણવપરાયેલી પડી રહી છે. આ વિશે જ્યારે સિંચાઈ ખાતાના અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એમ કહ્યું હતું કે બીડ જિલ્લાની પંચાયતોને વૉટર ટૅન્ક મેળવી લેવા જણાવ્યું હતું, પણ કોઈ તે લેવા માટે આવ્યું ન હતું. બીડના જિલ્લા કલેક્ટર બી. એમ. કાંબળેએ પાણીની ટાંકીઓ પડી રહેવા બદલ પાણી-પુરવઠા વિભાગને જવાબદાર ગણાવ્યો હતો.

મહારાષ્ટ્રમાં ગંભીર જળસંકટ : ૪૫૫૯ ગામને ટૅન્કરો પર આધાર રાખવો પડે છે

સમગ્ર મહારાષ્ટ્રમાં જળાશયોમાં પાણીનો પુરવઠો ઘટીને માત્ર ૧૪ ટકા થઈ ગયો છે અને પાણીનાં ટૅન્કરો પર આધાર રાખવો પડતો હોય એવાં ગામોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે રાજ્યનાં ૪૫૫૯ ગામડાંઓ અને ૧૧,૩૩૩ પરા વિસ્તારોને ટૅન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણના વડપણ હેઠળ મળેલી કૅબિનેટની બેઠકમાં જળસંકટ નિવારવા માટેનાં પગલાં વિશે ચર્ચા કરવામાં આવી હતી. ૧૫ દિવસ પહેલાં ટૅન્કરો પર આધાર રાખતાં ગામોની સંખ્યા ૪૧૯૫ હતી. અત્યાર કુલ ૫૫૦૦ ટૅન્કરો દ્વારા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને પાણી પૂરું પાડવામાં આવે છે. મહારાષ્ટ્રમાં જુદા-જુદા રાહત કૅમ્પોમાં અત્યારે ૯.૮૦ લાખ પશુઓને રાખવામાં આવ્યાં છે. મધ્ય અને પશ્ચિમ મહારાષ્ટ્રના જિલ્લાઓ અત્યારે ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે. સૌથી વધુ અસર મરાઠાવાડા વિસ્તારમાં છે. આ વિસ્તારમાં આવેલા ઔરંગાબાદ, નાંદેડ, લાતુર, જાલના, બીડ, પરભણી, ઓસ્માનાબાદ અને હિંગોલી જિલ્લા દુષ્કાળનો સામનો કરી રહ્યા છે.