સલમાનથી કઈ વાતે નારાજ સોનાક્ષી?

19 December, 2014 06:01 AM IST  | 

સલમાનથી કઈ વાતે નારાજ સોનાક્ષી?




એક ફંક્શનમાં હાજર રહેલી સોનાક્ષી સિંહાને જ્યારે પૂછવામાં આવ્યું કે ત્રણ ખાનમાં તને શું ગમતું નથી ત્યારે સોનાક્ષીએ એ પ્રશ્નમાં જવાબમાં કહ્યું હતું કે ‘દબંગ’ના શૂટિંગ દરમ્યાન સલમાન ખાન મારા પર બહુ રાડો પાડતો હતો એ મને સહેજ પણ નહોતું ગમતું.

સોનાક્ષીને શાહરુખ ખાન અને આમિર ખાન માટે પણ આ જ વાત પૂછવામાં આવી હતી. સોનાક્ષીએ કહ્યું હતું કે ‘આ ઍક્ટરો સાથે મેં કામ નથી કર્યું એટલે હું તેમને વધારે સારી રીતે ઓળખતી નથી. કેટલીક ફિલ્મોમાં તેમણે બહુ જ સરસ કામ કર્યું છે અને બહુ સરસ કૅરૅક્ટર કર્યા છે. શાહરુખ બૉલીવુડના તમામ હીરોમાં અલ્ટિમેટ રોમૅન્ટિક સ્ટાર છે.’

સોનાક્ષીએ કબૂલ કર્યું હતું કે બૉલીવુડમાં આજે જે સ્થાને ત્રણ ખાન પહોંચ્યા છે એ સ્તર સુધી પહોંચવાનું કામ અત્યંત કઠિન છે. સ્ટાર કોને કહેવાય એ વિશે સમજ આપતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘શાહરુખ, સલમાન ખરા અર્થમાં સ્ટાર છે, જે તમારાથી દૂર હોય અને જેમના સુધી પહોંચવાનું કામ અઘરું હોય એવા સ્ટાર છે. શાહરુખ, સલમાનના સમયમાં મીડિયા આટલું સ્પþડ નહોતું થયું, પણ હવે સોશ્યલ મીડિયાને કારણે નવી જનરેશનના ઍક્ટર્સ સુધી પહોંચવાનું કામ પ્રમાણમાં સરળ બન્યું છે. આને કારણે જ મને લાગે છે કે જેકોઈ સ્ટારડમ તે લોકોએ મેળવ્યું છે એ મેળવવું અમારે માટે અઘરું થઈ ગયું છે.’

એક સમયે સ્ટાર વચ્ચે જે કટ્ટર હરીફાઈ થતી હતી એની તીવ્રતા પણ ઓછી થઈ ગઈ હોય એવું સોનાક્ષીને લાગે છે. સોનાક્ષીનું માનવું છે કે નવી જનરેશનના જે ઍક્ટર્સ છે તેમનો સ્વભાવ ફ્રેન્ડ્લી છે અને તેઓ એકબીજા સાથે લાગણીના સંબંધો રાખે છે. સોનાક્ષીએ કહ્યું હતું કે ‘અમારો ઉછેર જ એ રીતે થયો છે કે અમે બધા સાથે યારીદોસ્તી સાથે રહીએ. જો તમે બીજી કોઈ હિરોઇન વિશે મને પૂછશો તો મને તેમના વિશે વાત કરવામાં કોઈ સંકોચ નહીં થાય. હરીફાઈનો અર્થ એ છે જેમાં અમે એકબીજા સાથે વાત ન કરીએ, જે મીડિયામાં જનરલી લખાતું રહે છે. એ વાત સાચી છે કે મારા ખાસ ફ્રેન્ડ્સ જેકોઈ છે તે ઇન્ડસ્ટ્રીના નથી, પણ બીજા ઍક્ટર્સ સાથે પણ મારા રિલેશન એ જ પ્રકારના છે. અમે મળીએ ત્યારે એટલા જ ઉત્સાહથી મળીએ છીએ. અમે સાથે અને એક જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ, એકબીજાનું કામ જોઈએ છીએ, કામ ગમે કે ન ગમે એના વિશે પણ ચર્ચા કરીએ છીએ અને આ જ તો રિલેશનશિપ છે.’