સલમાનને સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યાઓ

24 June, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શોમાં તેણે તબિયતને લગતો મોટો ખુલાસો કર્યો

સલમાન ખાન

સુપરસ્ટાર સલમાન ખાન પોતાની ફિટનેસ માટે બહુ ઍક્ટિવ છે. સલમાને હવે કપિલ શર્માના પ્રખ્યાત શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શો’માં પોતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો, જેણે તેના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. સલમાનને અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા સતાવી રહી છે એમ છતાં તે પોતાની મહેનત અને જુસ્સા સાથે કામ કરી રહ્યો છે. 
સલમાન ખાન ૨૧ જૂને ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની નવી સીઝનના પહેલા મહેમાન તરીકે જોવા મળ્યો. આ દરમ્યાન તે અગાઉ કરતાં વધુ ફિટ જોવા મળ્યો.

આ શોમાં જ્યારે હોસ્ટ કપિલ શર્માએ તેને લગ્ન વિશે સવાલ કર્યો ત્યારે સલમાને પોતાના જીવન અને સ્વાસ્થ્ય વિશે ખૂલીને વાત કરી. તેણે કહ્યું કે ‘હું રોજ હાડકાં તોડી રહ્યો છું, પાંસળીઓ તૂટી ગઈ છે, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની સમસ્યા છે, મગજમાં ઍન્યુરિઝમ છે એમ છતાં કામ કરી રહ્યો છું. એવી (આર્ટિયોવીનસ) માલ્ફૉર્મેશન પણ છે અને એમ છતાં હું ચાલી 
રહ્યો છું.’
સલમાનના આ નિવેદનથી દર્શકો ચોંકી ગયા. સલમાને આ પહેલાં એક ઇન્ટરવ્યુમાં પોતાની બીમારીઓ વિશે ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાનો દુખાવો એટલો વધારે હતો કે તે ઠંડું પાણી, બરફ કે કંઈ પણ ઠંડું ખાઈ શકતો નહોતો. એ સમયે સલમાને સર્જરી કરાવી હતી, પરંતુ તેને કહેવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં ફરીથી સારવારની જરૂર પડી શકે છે.

સલમાનને થયેલી બીમારીઓમાં શું થાય છે?

ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા : આ એક એવી બીમારી છે જેમાં ચહેરાની નસોમાં સોજો આવે છે જેને કારણે અસહ્ય દરદ થાય છે. તેને સુસાઇડ ડિસીઝ પણ કહેવાય છે, કારણ કે આ દરદને કારણે ઘણા લોકો માનસિક તનાવમાં આવી જાય છે. સલમાને ૨૦૧૭માં ‘ટ્યૂબલાઇટ’ના પ્રમોશન દરમ્યાન જણાવ્યું હતું કે આ દરદ એટલું ભયાનક છે કે તે એક સમયે આત્મહત્યા વિશે વિચારવા લાગ્યો હતો, પરંતુ તેણે હિંમત ન હારી અને મહેનત સાથે આગળ વધ્યો.

બ્રેન ઍન્યુરિઝમ : આ સમસ્યામાં મગજની નસમાં એક નબળા ભાગમાં ફુગ્ગા જેવો સોજો હોય છે. જો એ ફાટી જાય તો મગજમાં રક્તસ્ત્રાવ થઈ શકે છે જે જીવલેણ હોઈ શકે છે. સલમાન જ્યારે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની સારવાર માટે અમેરિકા ગયો હતો ત્યારે તેને આ બીમારીની જાણ થઈ હતી.

આર્ટિયોવીનસ માલ્ફૉર્મેશન : આ એક એવી સ્થિતિ છે જેમાં મગજ અથવા કરોડરજ્જુમાં નસો ઍબનૉર્મલ રીતે જોડાયેલી હોય છે. આનાથી રક્તના પ્રવાહ અને ઑક્સિજનના સપ્લાયમાં અવરોધ આવી શકે છે.

Salman Khan celeb health talk The Great Indian Kapil Show bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news