મિત્ર મહેશ માંજરેકરની મરાઠી ફિલ્મ માટે સલમાને ગાયું ગીત

26 February, 2017 06:55 AM IST  | 

મિત્ર મહેશ માંજરેકરની મરાઠી ફિલ્મ માટે સલમાને ગાયું ગીત

સલમાન હાલમાં જ મહેશ માંજરેકરની ફિલ્મ ‘રુબિક્સ ક્યુબ’ના મ્યુઝિક-લૉન્ચમાં હાજર રહ્યો હતો, પરંતુ તેણે એમાં ગીત નહોતું ગાયું. જોકે તેની કહેવાતી ગર્લફ્રેન્ડ યુલિયા વૅન્ટુરે આ ફિલ્મમાં ‘દિલ લફંગા...’ ગીત ગાયું છે. આ વિશે મહેશ માંજરેકર કહે છે, ‘હું મરાઠી ફિલ્મોનાં ગીતોને એક નવી ઊંચાઈએ લઈ જવા માગું છું અને તેથી જ મેં સલમાનને મારી ફિલ્મનાં ગીતો વિશે જણાવ્યું હતું. તેણે આ ગીતો વિશે યુલિયાને જણાવ્યું હતું અને તેણે ‘દિલ લફંગા’ ગીત ગાવા માટે તૈયારી દેખાડી હતી.’

સલમાને આ ફિલ્મમાં કેમ ગીત નથી ગાયું એ વિશે પૂછતાં મહેશ માંજરેકર કહે છે, ‘સલમાન પાસે ગીત ગવડાવવા માટે તમારે તેની પાસે તેને લાયક ગીત લઈને જવું પડે છે. તેણે આ ફિલ્મ માટે ગીત નથી ગાયું, પરંતુ તેણે મારી આગામી ફિલ્મ ‘FU- Fun Unlimited’ માટે ગીત રેકૉર્ડ કર્યું છે. સલમાનને મેં જ્યારે આ ગીત વિશે જણાવ્યું ત્યારે તેણે એ ગીત ગાવા માટે પ્રયત્ન કરવાની ઇચ્છા દેખાડી હતી. તેથી જ્યારે તેણે આ ગીત ગાયું ત્યારે અમને બન્નેને ખૂબ જ પસંદ પડ્યું હતું. આગામી છ મહિનાની અંદર અમે એક પ્રાઇવેટ આલબમ રિલીઝ કરવાનું વિચારી રહ્યા છીએ. અમારા આ આલબમને સલમાનનું લેબલ લૉન્ચ કરે એવી આશા રાખું છું. તેથી આ વિશે બહુ જલદી તમે સમાચાર સાંભળી શકો છો.’

બહુ જલદી મરાઠી ફિલ્મમાં ઍક્ટિંગ કરતો જોવા મળશે સલમાન


સલમાન ખાન તેના મિત્રો માટે તેનાથી બનતા તમામ પ્રયત્ન કરતો જોવા મળે છે, પરંતુ તે મહેશ માંજરેકરની ‘રુબિક્સ ક્યુબ’માં જોવા નહીં મળે. જોકે મહેશ માંજરેકરે કહ્યું હતું કે તે સલમાન માટે એક મરાઠી ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. આજે બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ મરાઠી ફિલ્મોમાં કામ કરી રહી છે. તેમ જ કેટલીક સેલિબ્રિટીઝ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી રહી છે. આ વિશે જણાવતાં મહેશ માંજરેકર કહે છે, ‘મારી આગામી ફિલ્મમાં સલમાન કોઈ નાનકડી ભૂમિકા નહીં ભજવે. તે મરાઠી ફિલ્મમાં કામ કરવા માટેની તૈયારી કરી રહ્યો છે, જેની સ્ક્રિપ્ટ હું લખીશ અને તેને ડિરેક્ટ પણ હું જ કરીશ. હું તેને એક યોગ્ય ફિલ્મનું નરેશન કરવા માટે રાહ જોઈ રહ્યો છું.’