સલમાન મોટા ભાઈ જેવા મિત્રના અવસાનને કારણે શોકમાં

06 May, 2026 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોસ્ટમાં સલમાને જીવનની ભંગુરતા વિશે વાત કરતાં લખ્યું હતું કે, `મારો ભાઈ ચહેરા પર સ્મિત સાથે વિદાય પામ્યો`

પોતાના ભાઈ જેવા દિવંગત મિત્ર સુશીલ કુમાર સાથે સલમાન ખાન

સલમાન ખાને પોતાના નજીકના મિત્ર સુશીલ કુમારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. સલમાને ૪૨ વર્ષ જૂના મિત્ર સુશીલને માત્ર મિત્ર જ નહીં, પરંતુ ભાઈ સમાન ગણાવ્યો અને તેના માટે સોશ્યલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ શૅર કરી છે.

સલમાને પોતાના અને પિતા સલીમ ખાન સાથે સુશીલના જૂના ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘આ વ્યક્તિ ૪૨ વર્ષથી મારા માટે ભાઈ સમાન હતો. સૌથી સારો, દયાળુ અને ખૂબ જ મદદગાર. ભલે તે મુશ્કેલીમાં હોય, પણ હંમેશાં હસતો, ડાન્સ કરતો અને ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ તેને કોઈ દુઃખ કે ચિંતા નહોતી. ગમે એવી આર્થિક, માનસિક કે શારીરિક તકલીફ હોય, પણ તે હંમેશાં કહેતો ‘કોઈ ફરક નથી પડતો, બધું સારું થઈ જશે.’ તેનું નામ સુશીલ કુમાર છે અથવા પાંચ મિનિટ પહેલાં સુધી તો એવું જ હતું. અલવિદા ભાઈ, તું એક મર્દની જેમ જીવ્યો અને મૃત્યુ સામે એક હેવીવેટ ચૅમ્પિયનની જેમ લડ્યો. તારા માટે મારી આંખોમાં કોઈ આંસુ નથી, ફક્ત યાદો અને હાસ્ય છે.’

પોતાની આ પોસ્ટમાં સલમાને જીવનની ભંગુરતા વિશે વાત કરતાં લખ્યું હતું કે ‘મારો ભાઈ ચહેરા પર સ્મિત સાથે વિદાય પામ્યો, શું વાત છે ભાઈ. કોઈ વહેલું જશે તો કોઈ મોડું, બધાએ જવાનું જ છે. કોઈ નથી જાણતું ક્યારે અને કેવી રીતે. હવે તારી સિગારેટ અને વ્હિસ્કીનો આનંદ માણ. ચિયર્સ ભાઈ, મને લાગે છે કે હું તને થોડો યાદ કરીશ.’

Salman Khan celebrity death entertainment news bollywood bollywood news