11 October, 2026 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાને પોતાની ઑફિશ્યલ યુટ્યુબ ચૅનલ લૉન્ચ કરી છે. આ સાથે ચાહકોને ફિલ્મો અને ટેલિવિઝન ઉપરાંત સલમાન સાથે જોડાવા માટે એક નવું માધ્યમ મળ્યું છે. સલમાને એક વિડિયો દ્વારા આ જાહેરાત કરી હતી. આ વિડિયોમાં તે અંગ્રેજી મૂળાક્ષરો સંભળાવતો જોવા મળે છે અને આ રીતે તેણે સંકેત આપ્યો છે કે તેની ચૅનલ પર દરેક માટે કંઈક ને કંઈક ખાસ જોવા મળશે.
સલમાને સોશ્યલ મીડિયા પર પોતાની યુટ્યુબ ચૅનલ વિશે માહિતી આપતાં લખ્યું હતું કે ‘ચલિએ શુરુ સે શુરુ કરતે હૈં. મેરા ઑફિશ્યલ યુટ્યુબ ચૅનલ. યહાં આપકો A સે Z તક સબ કુછ મિલેગા.’
આ જાહેરાત બાદ સલમાનના ફૅન્સ એ જાણવા માટે આતુર છે કે સલમાન આ ચૅનલ પર કેવા પ્રકારની સામગ્રી શૅર કરશે. માનવામાં આવે છે કે આ ચૅનલ પર સલમાનના અંગત અને વ્યાવસાયિક જીવનની ઝલક જોવા મળશે. એમાં શૂટિંગ દરમ્યાનના પડદા પાછળના પ્રસંગો અને અગાઉ ક્યારેય ન જોયેલા કન્ટેન્ટનો પણ સમાવેશ થઈ શકે છે.