સલમાન ખાને જાહેર મંચ પર બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ દેશ ગણાવ્યો

20 October, 2025 04:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે. એ કુદરતી સંસાધનોથી ભરપૂર છે, પરંતુ આર્થિક રીતે પછાત છે. ૧૯૪૮માં પાકિસ્તાનમાં જોડાયા પછીથી બલૂચ લોકો અલગતા અને વધુ અધિકાર ઇચ્છે છે.

સલમાન ખાને જાહેર મંચ પર બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ દેશ ગણાવ્યો

હાલમાં સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાને સાઉદી અરેબિયાના રિયાધમાં યોજાયેલી જૉય ફોરમ 2025 ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં સલમાને ભારતીય સિનેમાની વધતી પહોંચ વિશે વાત કરી, પણ આ દરમ્યાન તેણે કરેલું પાકિસ્તાન અને બલૂચિસ્તાનને અલગ દેશ ગણાવતું નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે. જોકે સલમાનના ફૅન્સ એને અજાણતાં થયેલી ભૂલ ગણાવી રહ્યા છે.

જૉય ફોરમ 2025ના મંચ પરથી વાત કરતી વખતે સલમાન ખાને કહ્યું હતું કે ‘હાલના સમયમાં જો તમે કોઈ હિન્દી ફિલ્મ બનાવો અને અહીં રિલીઝ કરો તો એ સુપરહિટ થઈ જશે. જો તમે એક તામિલ, તેલુગુ કે મલયાલી ફિલ્મ પણ બનાવો તો પણ એ ફિલ્મો અહીં સારો બિઝનેસ કરે છે, કારણ કે અહીં અનેક દેશોના લોકો આવ્યા છે. આપણા દેશમાંથી અનેક લોકો અહીં આવ્યા છે. બલૂચિસ્તાનના લોકો, અફઘાનિસ્તાનના લોકો, પાકિસ્તાનના લોકો... એમ બધા અહીં કામ કરે છે.’

સલમાનના આ નિવેદનનો એવો અર્થ કાઢવામાં આવી રહ્યો છે કે બલૂચિસ્તાનને સલમાને પાકિસ્તાનનો હિસ્સો હોવા છતાં અલગ દેશ ગણાવ્યો છે. 

હકીકતમાં બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે. એ કુદરતી સંસાધનોથી ભરપૂર છે, પરંતુ આર્થિક રીતે પછાત છે. ૧૯૪૮માં પાકિસ્તાનમાં જોડાયા પછીથી બલૂચ લોકો અલગતા અને વધુ અધિકાર ઇચ્છે છે. બલૂચ લિબરેશન આર્મી જેવાં જૂથો હુમલા કરે છે તેમ જ બલૂચ વિદ્રોહીઓ સ્વતંત્રતા ઇચ્છે છે, પણ આમ છતાં એ પાકિસ્તાનનો જ ભાગ છે.

Salman Khan pakistan balochistan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news