07 November, 2026 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ટ્રેલર-લૉન્ચમાં સલમાન ખાન
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’નું ગીત ‘તેરી સેક્સી બ્યુટી’ તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીતને સલમાને જ ગાયું છે. જોકે ગીત રિલીઝ થયા બાદ સોશ્યલ મીડિયા પર એના શબ્દોની ટીકા થઈ રહી છે. અનેક લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે દેશભક્તિ અને ભારતીય સેનાની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મમાં આવું ગીત રાખવાની જરૂર શું હતી.
આ ગીતના વિડિયોમાં ચિત્રાંગદા સિંહ અને બૅકગ્રાઉન્ડ ડાન્સર્સ લાલ રંગનાં પોશાકમાં ઍર હૉસ્ટેસના અંદાજમાં જોવા મળે છે. બીજી તરફ સલમાન કેટલાક પુરુષો સાથે ડાન્સ કરે છે. આ પુરુષો ફિલ્મમાં તેના સાથી સૈનિકો હોવાનું જણાય છે જેઓ ફરજમાંથી થોડો સમય મળતાં આનંદ માણી રહ્યા છે. આ ગીતની રજૂઆત અને કોરિયોગ્રાફીને જોઈને દર્શકોને ભારે આશ્ચર્ય થયું હતું.
હવે ગઈ કાલે ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં ગીતની ટીકા અંગે સવાલ પૂછવામાં આવતાં સલમાને સ્પષ્ટતા કરી હતી કે ‘આ એક જવાનની વાત છે, એક અધિકારીની વાત છે અને બધા જવાનો પોતાની પત્નીનાં વખાણ કરે છે. ફિલ્મ જોશો ત્યારે સમજાશે કે એમાં આ ગીતનાં દૃશ્યો બહુ ઓછાં છે. તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે જ ખબર પડશે કે ગીત કયા પ્રસંગે આવે છે. હવે દરેક સૈનિક હંમેશાં ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે’ જ નહીં ગાયને? ‘સંદેસે આતે હૈં’ પણ હંમેશાં નહીં ગાય. તે ક્યારેક ‘કાલા ચશ્મા’, ‘શાવા શાવા’ અને આવાં ગીતો પણ ગાશે. ‘ઊંચી હૈ બિલ્ડિંગ’ જેવાં ગીતો પણ હોય છેને? ફિલ્મમાં આ ગીત જે પરિસ્થિતિમાં આવે છે એ પરિસ્થિતિ કંઈક અલગ જ છે.’
૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને માત્ર ૧૧ રૂપિયામાં મળશે માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસની ટિકિટ
ચોથી ડિસેમ્બરે રિલીઝ થનારી સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’નું ટ્રેલર ગઈ કાલે લૉન્ચ કરવામાં આવ્યું છે. સલમાન માટે આ બહુ મહત્ત્વનો પ્રોજેક્ટ છે. આ ફિલ્મમાં અત્યાર સુધી અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને આખરે ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. હવે બાંદરામાં યોજાયેલી આ ટ્રેલર-લૉન્ચની ઇવેન્ટમાં સલમાન સહિત ફિલ્મની સમગ્ર ટીમ પહોંચી હતી. આ પ્રસંગે સલમાને જાહેરાત કરીને જણાવ્યું હતું કે ૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને આ ફિલ્મની ટિકિટ માત્ર ૧૧ રૂપિયામાં મળશે.
હાલમાં મલ્ટિપ્લેક્સ અને થિયેટરની ટિકિટના ભાવ ઘણા વધી ગયા છે. આ કારણે સિનિયર સિટિઝન ઘણી વાર થિયેટરમાં ફિલ્મ જોવા જવાનું ટાળે છે. આવી સ્થિતિમાં માત્ર ૧૧ રૂપિયામાં ટિકિટ ઉપલબ્ધ કરાવવાથી તેઓ સરળતાથી થિયેટરમાં ફિલ્મ જોઈ શકશે. ફિલ્મમાં લાંબા સમયથી અનેક ફેરફાર થઈ રહ્યા છે ત્યારે સલમાનનો આ નિર્ણય મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. આ નિર્ણયને કારણે વધુમાં વધુ લોકો ફિલ્મ જોવા માટે થિયેટર સુધી પહોંચી શકશે.