19 February, 2026 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલીમ ખાન
મંગળવારે સવારે તબિયત બગડતાં સલમાન ખાનના પિતા અને સ્ક્રીનપ્લેરાઇટર સલીમ ખાનને લીલાવતી હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા. ૯૦ વર્ષના સલીમ ખાનને હૅમરેજ થતાં તેમની તબિયત લથડી હતી, પણ લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હાલમાં તેમની હાલત સ્થિર છે. સલીમ ખાનના સ્વાસ્થ્ય વિશે તેમની સારવાર કરતા ડૉક્ટર જલીલ પારકરે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘સલીમ ખાનની કોઈ સર્જરી નથી કરવામાં આવી. તેમને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમનું બ્લડ-પ્રેશર ખૂબ જ ઊંચું હતું જે હવે કન્ટ્રોલમાં છે. સલીમ ખાનને મિનિમલ બ્રેઇન-હૅમરેજ હતું, જેના માટે એક મેડિકલ પ્રોસીજર કરવામાં આવી હતી અને તેઓ હાલમાં સ્વસ્થ થઈ રહ્યા છે. જો બધું બરાબર રહેશે તો ટૂંક સમયમાં વેન્ટિલેટર હટાવવામાં આવશે. હાલ તેઓ સ્થિર છે અને તબિયત સુધારા પર છે.’
ડૉક્ટરે આપેલી માહિતી પ્રમાણે સલીમ ખાનની સર્જરી નથી થઈ પણ ડિજિટલ સબટ્રૅક્શન ઍન્જિયોગ્રાફી કરવામાં આવી છે. આ મગજની સર્જરી નથી પણ હાઈ-ક્વૉલિટી એક્સ-રે છે જે શરીરની નસોના બ્લૉકેજને વધુ સ્પષ્ટ રીતે જુએ છે અને એને સેરિબ્રલ ઍન્જિયોગ્રાફી પણ કહેવામાં આવે છે.