સાજિદ ખાને કપડાં ઉતારવા કહ્યું હતું : સિમરન સૂરી

15 October, 2018 05:59 AM IST  | 

સાજિદ ખાને કપડાં ઉતારવા કહ્યું હતું : સિમરન સૂરી

તેણે કહ્યું હતું કે સાજિદે એક વખત તેને ઘરે બોલાવીને કપડાં ઉતારવા કહ્યું હતું. તાજેતરમાં જ અભિનેત્રીઓએ સાજિદ પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપ મૂક્યા હતા. હવે સિમરન સૂરી આગળ આવી છે. ઝૂમ ચૅનલ દ્વારા ટ્વિટર પર એક વિડિયો શૅર કરવામાં આવ્યો હતો. આ વિડિયોમાં એ દિવસે ઘટેલી ઘટનાની રજેરજ જાણકારી સિમરન સૂરીએ આપતાં કહ્યું હતું કે ‘પહેલી વાર સાજિદે મને કૉલ કર્યો હતો. મારા માટે આ એક મોટી વાત હતી. મેં ક્યારેય સાજિદ સાથે નંબર શૅર નહોતો કર્યો. મારો નંબર તેની પાસે કેવી રીતે પહોંચ્યો હતો એની જાણ મને નથી. સાજિદે કહ્યું હતું કે તે ‘હિમ્મતવાલા’ માટે કાસ્ટિંગ કરી રહ્યો છે. સાજિદે તેના જુહુસ્થિત ઘરે મને બોલાવી હતી, જેને હું ઑફિસ સમજી રહી હતી. સાજિદ ટ્રેડમિલ પર શૉટ્ર્સ પહેરીને વૉક કરી રહ્યો હતો. સાજિદે પૂછ્યું કે મારી બૉડી જોઈ? એના પર મેં કોઈ પ્રતિક્રિયા ન આપતાં તેણે મને કપડાં ઉતારવા કહ્યું હતું. મેં ના પાડી તો તેણે કહ્યું હતું કે હું તારો ડિરેક્ટર છું અને મારે તારું શરીર જોવું છે. સાજિદ વધુ નજીક આવ્યો અને મારી છાતી પર હાથ રાખી કહ્યું હતું કે ક્લીવેજ તો દેખાડ. હું ચીસો પાડવા લાગી તો તેણે કહ્યું કે શાંત થઈ જા, બીજા રૂમમાં મારી મા છે. હું સાજિદને ગાળ આપીને ત્યાંથી નીકળી ગઈ. ત્યાર બાદ તેનો નંબર પણ મેં ડિલીટ કરી નાખ્યો હતો.’

સાજિદ ખાને મારું પણ કર્યું હતું શોષણ : મંદાના કરીમી

‘ક્યા કૂલ હૈં હમ ૩’માં કામ કરી ચૂકેલી મંદાના કરીમીએ સાજિદ ખાનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સાજિદની ‘હમશકલ્સ’ માટે તે ઑડિશન આપવા માટે ગઈ હતી. આ વિશે વિસ્તારપૂર્વક જણાવતાં મંદાના કરીમીએ કહ્યું હતું કે ‘મારો મૅનેજર અને હું તેની (સાજિદની) ઑફિસમાં ગયા હતા. પ્રોડ્યુસર વાશુ ભગનાણીને મળ્યા બાદ હું સાજિદની રૂમમાં હતી જ્યાં તેણે મારા ફોટોને લઈને કહ્યું હતું કે લવલી પિક્ચર્સ, પરંતુ મારે કપડાં ઉતારવાં પડશે. તેણે કહ્યું હતું કે જો મને એ ગમશે તો મને તે ફિલ્મમાં સાઇન કરશે. એ ઘટના પર હું હસી પડી હતી. સાજિદ એક ક્રીપ વ્યક્તિ છે.’

સાજિદ સેટ પર મહિલાઓને અપમાનિત કરતો : બિપાશા

બિપાશા બાસુએ ૨૦૧૪માં આવેલી ‘હમશકલ્સ’ના સેટ પર થયેલા અમુક અનુભવો શૅર કર્યા હતા, જેમાં તેણે જણાવ્યું હતું કે સાજિદ ખાન સેટ પર સતત મહિલાઓને અપમાનિત કરતો હતો. સાજિદ ખાન વિરુદ્ધ હાલ મહિલાઓ આગળ આવીને આપવીતી સંભળાવી રહી છે. સાજિદ પર મૂકવામાં આવેલા જાતીય શોષણના આરોપો પર બિપાશા બાસુએ કહ્યું હતું કે ‘મને એ વાતની ખુશી છે કે મહિલાઓ આવા પાવરફુલ લોકો વિરુદ્ધ બોલી રહી છે. જોકે મારી સાથે આવી ઘટના નથી ઘટી. સેટ પર તેનું વર્તન અજબ હતું, જેનાથી હું ખૂબ બેચેની અનુભવતી હતી. તે બધાની સામે ખૂબ ગંદી મજાક કરતો હતો અને મહિલાઓને અપમાનિત કરતો હતો.’

સાજિદનો પીછો છોડી દો : મલાઇકા અરોરા

સાજિદ ખાન પર મૂકવામાં આવેલા આરોપ વિશે મલાઇકા અરોરાને પૂછવામાં આવ્યું હતું તો તેણે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે તમે લોકો સાજિદનો પીછો કરવાનું છોડી દો. ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’ની પ્રમોશનલ ઇવેન્ટમાં એનાં જજ કિરણ ખેર અને મલાઇકા અરોરા હાજરી આપવા પહોંચ્યાં હતાં જ્યાં સાજિદ ખાન પર મૂકવામાં આવેલા આરોપ પર પૂછવામાં આવ્યું હતું, જેનો જવાબ આપતાં કિરણ ખેરે કહ્યું હતું કે ‘હું સાજિદને વર્ષોથી ઓળખું છું, પરંતુ મારી સાથે આવી કોઈ ઘટના નથી ઘટી તો હું કંઈ ન કહી શકું. હવે આ આરોપમાં કેટલી વાસ્તવિકતા છે એના વિશે તો માત્ર સાજિદ જણાવી શકે અથવા તો આરોપ મૂકનારી મહિલાઓ. જે છોકરીઓ અને મહિલાઓ પોતાની વાત માંડી રહી છે હું તેમનું પૂરું સન્માન કરું છું.’

સાજિદ ખાન સાથે જોડાયેલો સવાલ મલાઇકા અરોરાને પણ પૂછવામાં આવ્યો હતો. એ વિશે મલાઇકા અરોરાએ કહ્યું હતું કે ‘તમે લોકો માત્ર સાજિદની પાછળ જ ન પડ્યા રહો. એવા તો અનેક લોકો છે જેમને લઈને ખુલાસાઓ થઈ રહ્યા છે. અમે લોકો સાજિદને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. માત્ર સાજિદ વિશે જ સવાલ કેમ પૂછવામાં ïઆવે છે?’