11 February, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૈફ અલી ખાન અને કરીના કપૂર
૧૫ જાન્યુઆરીએ રાતે સૈફ અલી ખાન પર તેના ઘરમાં હુમલો થયો હતો. એક હુમલાખોરે ઘરમાં ઘૂસીને સૈફ પર ચાકુ વડે હુમલો કર્યો. સૈફને તરત હૉસ્પિટલ લઈ જવાયો અને સર્જરી બાદ તેને રજા આપવામાં આવી હતી. એ ઘટના પછી સૈફ અને કરીના ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. આ સંજોગોમાં હાલમાં કરીના કપૂરે સોશ્યલ મીડિયામાં જણાવ્યું છે કે ‘જીવનની પરિસ્થિતિઓ વિશેના સિદ્ધાંતો અને ધારણાઓ વાસ્તવિક નથી હોતા. તમે લગ્ન, છૂટાછેડા, ચિંતા, બાળકનો જન્મ, કોઈ પ્રિયજનનું મૃત્યુ, પાલન-પોષણ જેવી બાબતોને ક્યારેય સાચી રીતે સમજી શકતા નથી જ્યાં સુધી એ ખરેખર તમારી સાથે ન બને. જ્યાં સુધી તમારો વારો નથી આવતો અને જીવન તમને વિનમ્ર નથી બનાવતું ત્યાં સુધી આપણને લાગે છે કે આપણે બીજા કરતાં વધુ સમજદાર છીએ.’
સોશ્યલ મીડિયામાં કરીનાની આ પોસ્ટ ઘણી વાઇરલ થઈ છે. કરીનાએ લગ્ન અને તલાક વિશે વાત કરી હોવાથી તેના અંગત જીવન વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે, પણ આ પોસ્ટ પાછળનું કારણ જાણી શકાયું નથી.
જોકે અત્યાર સુધીના સૈફ અને કરીનાના સંબંધ પર નજર નાખીએ તો એમાં સમસ્યા હોય એવું કાંઈ નજરે નથી ચડતું. આ બન્નેની સાથેની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયા પર જોવા મળે છે. કરીના તેના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર પણ પરિવાર, બાળકો અને પતિ સૈફ સાથેની તસવીરો શૅર કરતી રહે છે.