પટૌડી પૅલેસને સૈફ અલી ખાને પોતાના પૈસાથી ખરીદ્યો છે

08 November, 2019 11:12 AM IST  |  Mumbai | Mayank Shekhar

પટૌડી પૅલેસને સૈફ અલી ખાને પોતાના પૈસાથી ખરીદ્યો છે

સૈફ અલી ખાન

સૈફ અલી ખાને જણાવ્યું હતું કે પટૌડી પૅલેસને તેણે પોતાની ફિલ્મોમાંથી રળેલા પૈસાથી ખરીદ્યો હતો. આ વાતનો ખુલાસો ‘મિડ-ડે’ સાથે થયેલા એક ઇન્ટરવ્યુમાં તેણે કર્યો હતો. તેને પૂછવામાં આવ્યું હતું કે તને વારસાગત રીતે નવાબ કહીને બોલાવવામાં આવે છે. જોકે વાસ્તવિકતા એ છે કે એક ઍક્ટર તરીકે પોતાની જાતને તેણે પોતે સ્થાપિત કર્યો છે. વીસ વર્ષની ઉંમરમાં બૉમ્બે આવ્યા બાદ તેં તારા પેરન્ટ્સ પાસેથી કોઈ મદદ નથી લીધી? એનો જવાબ આપતાં સૈફે કહ્યું હતું કે ‘હા, થૅન્ક યુ કે તેં કોઈ અન્યની વાત સાંભળીને મારી સાથે આ વિશે કોઈ દલીલ ન કરી. આ વાત સાચી છે. લોકોમાં એક ચોક્કસ પ્રકારની ધારણા બંધાઈ જાય છે. મારા પિતા મન્સુર અલી ખાન પટૌડીના અવસાન બાદ એ પૅલેસને નિમરાણા હોટેલને ભાડા પર આપવામાં આવ્યો હતો. અમન નાથ અને ફ્રાન્સિસ એને ચલાવતા હતા. ફ્રાન્સિસનું નિધન થયું હતું. તેઓ મને કહેતા હતા કે તને જ્યારે પણ પૅલેસ પાછો જોઈતો હોય તો જણાવજે. મેં તેમને કહ્યું કે મને પૅલેસ પાછો જોઈએ છે. તેમણે એક કૉન્ફરન્સ કરી અને કહ્યું કે મારે તેમને ઘણાબધા પૈસા આપવા પડશે. ત્યાર બાદ હું સતત પૈસા રળવા લાગ્યો હતો. એથી જે ઘર મને વારસામાં મળવુ જોઈતું હતું એને મેં મારી ફિલ્મોના પૈસામાંથી ખરીદ્યું છે. તમે ભૂતકાળને ભૂલી ન શકો. અમારી ફૅમિલી તો નહીં જ ભૂલે, કેમ કે અમારી પાસે બીજું કશું જ નહોતું. પૅલેસ સાથે સંકળાયેલો ઇતિહાસ, સંસ્કૃતિ, સુંદર ફોટોગ્રાફ્સ અને થોડી જમીન આ બધું વારસામાં મળ્યું છે. મારો ઉછેર ત્યાં થયો એ મારા માટે ગર્વની વાત છે. જોકે વારસાના નામે અમારી પાસે કશું જ નથી. આના સિવાય અમારી પાસે કંઈ નથી.’

saif ali khan