હૃતિકને ડેટ કરવાને કારણે બે વર્ષથી વૉઇસ-ઓવરનું કામ મળતું બંધ થયું સબાને

15 June, 2024 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સબાનું કહેવું છે કે લોકો એમ ધારી બેઠા છે કે તે ધનવાન એવા હૃતિકની સાથે રિલેશનમાં છે એથી હવે તેને કામની જરૂર નથી

હૃતિક અને સબા

હૃતિક રોશન અને સબા આઝાદ બે વર્ષથી રિલેશનમાં છે. સબા વર્ષોથી વૉઇસ-ઓવરનું કામ કરતી આવી છે. જોકે તે હૃતિકને ડેટ કરતી હોવાથી તેને હવે બે વર્ષથી વૉઇસ-ઓવરનું કામ મળતું બંધ થઈ ગયું છે. સબાનું કહેવું છે કે લોકો એમ ધારી બેઠા છે કે તે ધનવાન એવા હૃતિકની સાથે રિલેશનમાં છે એથી હવે તેને કામની જરૂર નથી. એ વિશે ઇન્સ્ટાસ્ટોરી પર સબાએ લખ્યું કે ‘લગભગ બે વર્ષ બાદ હું વૉઇસ-ઓવર રેકૉર્ડ કરી રહી છું. તમારામાંથી કેટલાકને જાણ હશે તો કેટલાકને જાણ નહીં હોય કે હું એક દાયકાથી પણ વધુ સમયથી વૉઇસ-ઓવર ઍક્ટર છું. મેં અનેક ઍડમાં મારો અવાજ આપ્યો છે. અઢી વર્ષ પહેલાં હું એક મહિનામાં ૬થી ૮ વૉઇસ-ઓવર રેકૉર્ડ કરતી હતી, એના સ્થાને આજે એક પણ નથી. મેં કોઈને નહોતું જણાવ્યું કે હું કામ છોડી રહી છું કે પછી મને રસ નથી. ફી પણ નહોતી વધારી. તો પછી બધું અચાનક કેમ બદલાઈ ગયું? એથી જે ડિરેક્ટર સાથે હું સતત કામ કરતી હતી તેને પૂછ્યું કે તમે મને હવે વૉઇસ-ઓવરના કામ માટે કેમ નથી બોલાવતા? તો તેનો જવાબ હતો ‘ઓહ અમને લાગ્યું કે હવે તને વૉઇસ-ઓવરનું કામ નહીં કરવું હોય.’

તેનું કહેવું હતું કે હું લાઇફમાં જે રીતે આગળ વધી રહી છું, સફળ ઍક્ટરને ડેટ કરું છું એ જોતાં મને હવે કામ કરવાની જરૂર નહીં હોય. જો તે આવું વિચારી શકતા હોય તો અન્ય લોકો શું વિચારતા હશે? આપણે આજે એક એવા અંધકારમય યુગમાં રહીએ છીએ કે જ્યાં લોકો એમ વિચારે છે કે જે મહિલા સફળ પાર્ટનર સાથે રિલેશનમાં હોય તેને કામની જરૂર નથી હોતી. શું મારે ફૂડની, મકાનના રેન્ટની, બિલ્સની, ઘરની જવાબદારી અને મારી પોતાની કાળજી ન લેવાની હોય? બે સ્ટ્રૉન્ગ અને આઝાદ વ્યક્તિ સાથે આવે તો તેઓ કદી પણ પોતાની ઓળખ અથવા કરીઅરને જતી નથી કરતી.’

hrithik roshan entertainment news bollywood bollywood news bollywood gossips