28 November, 2023 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલ્બર્ટ કાબો
ઝીટીવી પર આવતા ‘સા રે ગા મા પા’નો વિનર પશ્ચિમ બંગાળના કલિમ્પોંગનો આલ્બર્ટ કાબો બન્યો છે. ૨૭ વર્ષના આલ્બર્ટને હિન્દી બોલવામાં થોડી તકલીફ પડે છે. તેણે સિન્ગિંગની ચોક્કસ તાલીમ નથી લીધી. આમ છતાં તેની લગન, ધગશ અને સખત મહેનતને કારણે તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેની ઇચ્છા છે કે તે એક સારો સિંગર બનવાની સાથે જ એક સારો માણસ પણ બને. પોતાના પર્ફોર્મન્સથી તેણે લોકોને અને જજિસને આકર્ષિત કર્યા છે. ટૉપ ફાઇવ ફાઇનલિસ્ટમાં આલ્બર્ટ, નિષ્ઠા શર્મા, સ્નેહા ભટ્ટાચાર્ય, રનિતા બૅનરજી અને સોનિયા ગઝમેર હતાં. હિન્દી ન આવડતી હોવાથી કેવી તકલીફ પડી હતી એ વિશે આલ્બર્ટે કહ્યું કે ‘હિન્દી ઉચ્ચારણને કારણે મને ખૂબ સમસ્યા થતી હતી. હું ગીતને રટતો અને ગાતો હતો. હું ગીતોને સતત સાંભળતો હતો. ત્યાર બાદ મને ગીતના ખરા ઉચ્ચાર સમજમાં આવતા હતા. મેં સિન્ગિંગની કોઈ ફૉર્મલ ટ્રેઇનિંગ નહોતી લીધી. એથી મારે સખત મહેનત કરવાની હતી. મારા માટે એ અઘરું હતું. મેં જે કાંઈ પણ કર્યું છે એ દિલથી કર્યું છે. આ રીતે મને સારું પરિણામ મળ્યું છે. મને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. લોકો મારા વિડિયો શૅર કરે છે એ માટે હું તેમનો આભાર માનું છું. આ રીતે મને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે.’