26 August, 2021 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ચેહરે’ની રિલીઝના બે દિવસ અગાઉ કોવિડ પૉઝિટિવ થયો રૂમી જાફરી
‘ચેહરે’ રિલીઝને આરે છે અને એનો ડિરેક્ટર રૂમી જાફરી કોરોનાનો શિકાર બન્યો છે. ફિલ્મ આ શુક્રવારે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી, અનુ કપૂર, સિદ્ધાંત કપૂર, ક્રિસ્ટલ ડિસોઝા, રિયા ચક્રવર્તી અને રઘુબીર યાદવ લીડ રોલમાં દેખાશે. થોડા દિવસો અગાઉ જ રૂમી જાફરીની દીકરીનાં લગ્ન હૈદરાબાદમાં થયાં હતાં. એ લગ્નમાં અનેક સેલિબ્રિટીઝે હાજરી પુરાવી હતી. લગ્ન બાદ તેને કોરોના થયો છે એ વાતની રૂમીને નિરાંત છે. એ વિશે જણાવતાં રૂમી જાફરીએ કહ્યું હતું કે ‘મારી દીકરીનાં લગ્ન માટે હું હૈદરાબાદમાં હતો અને મારા કેટલાય ફ્રેન્ડ્સ જેવાં કે નીતુ કપૂર, રણધીર કપૂર અને ઘણા બધા ફ્રેન્ડ્સે ઑગસ્ટના પહેલા વીકમાં યોજવામાં આવેલાં લગ્નમાં હાજરી આપી હતી. હું ભગવાનનો આભારી છું કે મને ૧૫ ઑગસ્ટ બાદ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. જે લોકોએ લગ્નમાં હાજરી આપી હતી તેઓ સહીસલામત પોતાના ઘરે પહોંચી ગયા છે.’
સાથે જ તેણે એ બાબત પણ રાહતનો શ્વાસ લીધો છે કે તેની ફિલ્મ ‘ચેહરે’નું કામ ઘણા સમય પહેલાં જ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મ અગાઉ એપ્રિલમાં રિલીઝ થવાની હતી. તે ફિલ્મના પ્રમોશનમાં ભાગ નહીં લઈ શકે. તે સારવાર લઈ રહ્યો છે અને ક્વૉરન્ટીન છે. ફિલ્મ વિશે રૂમીએ કહ્યું હતું કે ‘મારી ટેસ્ટ જો નેગેટિવ આવી તો હું મુંબઈ આવીશ અથવા તો હૈદરાબાદમાં જ રિલીઝ બાદ ફિલ્મ જોઈ લઈશ.’