ઍક્ટિંગ છોડ્યા બાદ હૃષીકેશમાં ઠરીઠામ થનાર સંજય મિશ્રાને રોહિત શેટ્ટી ફિલ્મોમાં પાછાે ખેંચી લાવ્યાે

07 October, 2023 04:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય મિશ્રાને બાળપણથી જ ઍક્ટિંગનો શોખ હતો અને પોતાના આ સપનાને પૂરું કરવા તેણે સ્કૂલ પણ છોડી દીધી હતી.

સંજય મિશ્રા

સંજય મિશ્રાને બાળપણથી જ ઍક્ટિંગનો શોખ હતો અને પોતાના આ સપનાને પૂરું કરવા તેણે સ્કૂલ પણ છોડી દીધી હતી. બિહારના દરભંગામાં જન્મેલા સંજય મિશ્રાએ નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાથી ટ્રેઇનિંગ લીધી હતી. તેણે શાહરુખ ખાનની ‘ઓહ ડાર્લિંગ! યે હૈ ઇન્ડિયા’થી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. જોકે પિતાના નિધન બાદ તેઓ અંદરથી તૂટી ગયા હતા અને ઘર-પરિવાર તથા ફિલ્મ-ઇન્ડસ્ટ્રી છોડીને હૃષીકેશ ચાલ્યા ગયા હતા. રોહિત શેટ્ટી તેમને જીદ કરીને મુંબઈ પાછા લઈ આવ્યા અને ‘ઑલ ધ બેસ્ટ’માં કામ આપ્યું હતું. એ આખા પ્રકરણ વિશે સંજય મિશ્રાએ કહ્યું કે ‘હું એક વખત શૂટિંગ દરમ્યાન બીમાર પડ્યો હતો. મારા પેટમાંથી ૧૫ લિટર જેટલું પસ કાઢવામાં આવ્યું હતું. મારી હાલત ખરાબ હતી. હું હૉસ્પિટલમાંથી બહાર આવ્યો એના ૧૫ દિવસ બાદ મારા પિતાનું અવસાન થયું હતું. પિતાના નિધનથી હું તૂટી ગયો હતો, એટલે ઘર-પરિવાર છોડીને હું હૃષીકેશ ચાલ્યો ગયો હતો. ત્યાં મને માનસિક શાંતિ મળતી હતી. મેં ત્યાં જ રહેવાનું નક્કી કર્યું હતું. પૈસા કમાવા માટે મેં ત્યાંની એક હોટેલમાં રસોઈ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. એક દિવસ રોહિત શેટ્ટી મને શોધતો-શોધતો ત્યાં આવી પહોંચ્યો. તેણે મને ‘ઑલ ધ બેસ્ટ’માં કામ કરવા માટે મુંબઈ આવવાની જીદ પકડી હતી, પણ હું તૈયાર નહોતો. છેવટે હું આવ્યો અને આ ફિલ્મમાં કામ કર્યું. આ ફિલ્મનો જ એક ડાયલૉગ છે - ‘જીસ તરહ દહેલે કે પહેલે નહેલા આતા હી હૈ, વૈસે હી ગુરુ કે પહલે ચેલા આતા હૈ.’

bollywood news entertainment news rohit shetty