યુવા ડિરેક્ટર્સને રિશી કપૂરે શું સલાહ આપી?

24 February, 2020 01:08 PM IST  |  Mumbai

યુવા ડિરેક્ટર્સને રિશી કપૂરે શું સલાહ આપી?

રિશી કપૂરે યુવા ડિરેક્ટર્સને સલાહ આપતાં જણાવ્યું છે કે તેમણે કલાકારોનો પર્ફોર્મન્સ મૉનિટર પર નહીં, સામે બેસીને જોવો જોઈએ. રિશી કપૂરે ૧૯૬૬માં આવેલી ‘તિસરી મંઝિલ’ના સેટ પરનો એક ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેમના કાકા શમ્મી કપૂર પર્ફોર્મ કરી રહ્યા છે અને ડિરેક્ટર વિજય આનંદ મૉનિટરમાં નહીં, પણ સામે બેસીને શમ્મી કપૂરને નિહાળી રહ્યા છે. આ જ નિયમ આજના યુવાન ડિરેક્ટરોએ અપનાવવો જોઈએ એવી સલાહ આપતાં એ ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને રિશી કપૂરે ટ્વીટ કર્યું હતું, ‘આજના ડિરેક્ટરોએ પોતાના ઍક્ટરને આટલી નજીકથી બેસીને પર્ફોર્મ કરતો જોવા જોઈએ, મૉનિટરમાં નહીં જોવું જોઈએ. આ બાબતને લઈને નવા ડિરેક્ટર્સ સાથે ચર્ચા કરીને કંટાળી ગયો છું. તેમને આ નવી-નવી વસ્તુઓ સાથે અખતરા કરવાનું ગમે છે. જોકે એ ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી માટે છે.’

રિશી કપૂરની આ વાતને ટેકો આપતાં શેખર કપૂરે ટ્વીટ કર્યું હતું, ‘રિશી કપૂર, તમે એકદમ સાચી વાત કહી છે. મને વિડિયો મૉનિટરથી નફરત છે. હું એને જેમ બને એમ મારાથી દૂર જ રાખું છું. એમાં હું કદી પણ જોતો નથી. સાથે જ મારા ઍક્ટર્સને પણ એમાં જોવા નથી દેતો. આ વસ્તુ આળસુ બનાવી દે છે. જોકે તમે એકદમ મુશ્કેલ વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા હો તો વાત જુદી છે.’

rishi kapoor bollywood news