મિશન સક્સેસફુલ

16 August, 2019 09:30 AM IST  |  મુંબઈ

મિશન સક્સેસફુલ

મિશન સક્સેસફુલ

આજે મુંબઈમાં એક કિલોમીટર જવું હોય તો આપણે ઓછામાં ઓછા અઢાર રૂપિયા ચૂકવવા પડે છે, પરંતુ ઇન્ડિયાને મંગળ પર પહોંચવા માટે કિલોમીટરદીઠ ફક્ત સાત રૂપિયા ખર્ચ થયો હતો. ૨૦૧૪ની ૨૪ સપ્ટેમ્બરે ભારતનું મંગળ પર જવાનું સપનું પૂરું થયું હતું. ૨૦૧૩ની પાંચ નવેમ્બરે આપણે અવકાશયાન છોડ્યું હતું જેને મંગળયાન નામ આપવામાં આવ્યું હતું. આ જ વિષય પરથી અક્ષયકુમાર, વિદ્યા બાલન, શમર્ન જોષી, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલ્હારી અને નિત્યા મેનનની ‘મિશન મંગલ’ બની છે.
સ્ટોરી
અક્ષયકુમાર ઇસરોના ખ્યાતનામ વૈજ્ઞાનિક રાકેશ ધવનનું પાત્ર ભજવી રહ્યો હોય છે. રૉકેટ જીએસએલવી સી39ને અવકાશમાં મોકલવાનું બીડું રાકેશ ધવને હાથમાં લીધું હોય છે. તેની સાથે તારા શિંદે એટલે કે વિદ્યા બાલન આ પ્રોજેક્ટમાં કામ કરી રહી હોય છે. તારાના એક ખોટા જજમેન્ટને કારણે આ પ્રોજેક્ટ નિષ્ફળ રહે છે. ઇસરોમાં તપાસ માટે એક બેઠક યોજાય છે અને ત્યાં રુપર્ટ દેસાઈ એટલે કે દલીપ તાહિલને એ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. રુપર્ટ દેસાઈ નાસામાં લગભગ બે દાયકાનો અનુભવ લઈને આવ્યો હોય છે અને તે રાકેશ ધવનની આડે આવે છે. પ્રોજેક્ટ નિષ્ફળ જવાથી ઇસરોમાં વર્ષોથી ધૂળ ખાઈ રહેલા ડિપાર્ટમેન્ટ એટલે કે માર્સ ડિપાર્ટમેન્ટમાં રાકેશની બદલી કરવામાં આવે છે. ઇસરોએ પણ મંગળ પર જવાને એક સપનું જ માની લીધું હોય છે જે ક્યારેય તેમનાથી પૂરું નથી થવાનું. જોકે એક દિવસ તારાના ઘરે ગૅસ પતવા આવ્યો હોય છે અને એથી તે તેના ઘરે કામ કરતી મહિલાને ગૅસ બંધ કરી ગરમ તેલમાં પૂરી તળવા માટે કહે છે જેથી ગૅસ બચી શકે. આ તુક્કાની મદદથી તેને વિચાર આવે છે કે આ હોમ સાયન્સને રૉકેટ સાયન્સમાં પરિવર્તન કરવામાં આવે તો માર્સ પર પહોંચી શકાય છે. તારાના આ આઇડિયાથી રાકેશ કન્વિન્સ થાય છે. જોકે આ માટે તેમને ટીમ જોઈતી હોય છે. તારાએ આ માટે લિસ્ટ પણ તૈયાર રાખ્યું હોય છે, પરંતુ આ પ્રોગ્રામ નિષ્ફળ રહે એ હેતુથી રુપર્ટ તમામ સિનિયર સાયન્ટિસ્ટની જગ્યાએ રાકેશને જુનિયર સાયન્ટિસ્ટ આપે છે. આ સાયન્ટિસ્ટમાં સોનાક્ષી સિંહા (એકા ગાંધી), તાપસી (ક્રિતિકા અગરવાલ), નિત્યા (વર્ષા પાટીલ), કીર્તિ (નેહા સિદ્દિકી), શર્મન (પરમેશ્વર નાયડુ અને એચ. જી. દત્તાત્રેય (અનંત અય્યર)નો સમાવેશ થાય છે. આ તમામ સાયન્ટિસ્ટ નિકળી પડે છે સૌથી ઓછા બજેટમાં ઇન્ડિયાને માર્સ પર પહોંચાડવા માટે.
લાઇટ-કૅમેરા-ઍક્શન
એશિયા ખંડમાં ઇન્ડિયા પહેલો એવો દેશ છે જે મંગળ પર ગયો હોય અને દુનિયામાં પહેલો એવો દેશ છે જે પહેલી જ કોશિશમાં સફળ રહ્યો હોય. જોકે આ સ્ટોરીને ડિરેક્ટર જગન શક્તિએ ખૂબ જ સારી રીતે દેખાડી છે. એક સાયન્ટિસ્ટ તેના રોજિંદા જીવનમાંથી કેવી-કેવી પરિસ્થિતિઓનો સામનો કરીને કામ કરતા હોય છે એ આમાં ખૂબ સારી રીતે દેખાડવામાં આવ્યું છે. જોકે હ્યુમન ડ્રામાની સાથે ઇસરોમાં થતા ઍક્શન પર વધુ ધ્યાન આપ્યું હોત તો ઓર મજા આવી હોત. ‘ચિની કમ’,
‘પા’ અને ‘પૅડમૅન’ જેવી ફિલ્મોને ડિરેક્ટ કરનાર આર. બાલ્કીએ આ ફિલ્મને જગન શક્તિ સાથે મળીને લખી છે. સાયન્સના વિષયને તેમણે બને એટલી સિમ્પલ રીતે કહેવાની કોશિશ કરી છે, પરંતુ એને વધુ સરળ બનાવી શકાઈ હોત. લેખકો રિયલ લાઇફના પ્રૉબ્લેમની મદદથી એનો રૉકેટ સાયન્સમાં ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવામાં સફળ રહ્યા છે. તેમણે હાર્ડકોર સાયન્સમાં એન્ટરટેઇનમેન્ટને પણ દૂધમાં સાકરની જેમ ભેળવી દીધું છે. ફિલ્મમાં તમને એક પણ સેકન્ડ માટે કંટાળો નહીં આવે. સ્ક્રીનપ્લે ઘણી વાર નબળો પડે છે તેમ જ કમ્પ્યુટર જનરેટેડ ઇમેજિનરી પણ એટલી ખાસ નથી. ઇન્ડિયન ઑડિયન્સ હવે દુનિયાની કોઈ પણ ફિલ્મ તેમની આંગળીના ટેરવે જોઈ શકે છે ત્યારે તેઓ હાઈ ગ્રાફિક્સની આશા રાખે તો નવાઈ નહીં.
ઍક્ટિંગ
અક્ષયકુમારનો એક ધર્મ હોય છે અને એ છે સાયન્સ. તે તેની રાકેશ ધવનની ઍક્ટિંગ દ્વારા એ પુરવાર કરી ચૂક્યો છે. જોકે ‘મિશન મંગલ’માં દરેક હિરોઇનનું કામ ખૂબ જ ઉમદા છે. નિત્યા, કીર્તિ, સોનાક્ષી અને તાપસી પાસે ખૂબ જ ઓછું કામ છે. તેમ છતાં તાપસીએ તેના ભાગની ઍક્ટિંગ ખૂબ જ સારી રીતે ભજવી છે. આ તમામ ઍક્ટર્સ પર કોઈ ભારી પડ્યું હોય તો એ છે વિદ્યા બાલન. તારાની ઍક્ટિંગ, તેનું લૉજિક, તેની બોલવાની સ્ટાઇલ દરેક બાબત અદ્ભુત છે. એકી શ્વાસે ડાયલૉગ બોલ્યા બાદ પાણી માગવું એને પણ ખૂબ જ રિયલિસ્ટિક દેખાડવું સહેલું નથી. દલીપ તાહિલની ઍક્ટિંગ પણ જોરદાર છે. હાફ અમેરિકન અને હાફ ઇન્ડિયન લહેકામાં તેઓ બોલતા જોવા મળે છે. તેમની બોલવાની સ્ટાઇલને કારણે પણ દર્શકોના ચહેરા પર હાસ્ય આવી જાય છે.
થોડા ધ્યાન ઇધર ભી
ફિલ્મમાં સિનેમૅટિક લિબર્ટી ઘણી લેવામાં આવી છે. હિન્દી ફિલ્મ હોવા છતાં ઘણા ડાયલૉગ અંગ્રેજીમાં છે. એક દૃશ્ય છે જેમાં ડૉક્ટર અબ્દુલ કલામને ઇમૅજિન કરીને અક્ષયકુમાર ફોન પર વાત કરે છે. આ સમયે તે તેમની સાથે તામિલમાં વાત કરે છે. જોકે એનો હિન્દીમાં અનુવાદ સબટાઇટલ સાથે આપવામાં નથી આવ્યો. જોકે ત્યાર બાદ અક્ષયકુમાર એનો સાર આપે છે. તેમનો એક ક્વોટ પણ અક્ષયકુમાર બોલે છે અને એ પણ અંગ્રેજીમાં, જેને હિન્દીમાં કહી શકાયો હોત. તેમ જ સાયન્ટિસ્ટોની હાઈ-લેવલ મીટિંગ ચાલી રહી હોય ત્યારે અક્ષય ગમે ત્યારે પરવાનગી વગર ઘૂસી જાય છે. (કોઈ પણ સામાન્ય ઑફિસની મીટિંગ ચાલુ હોય તો પણ રાહ જોવી પડે છે.) ઇસરોમાં કામ કરતી તાપસી કોઈને પણ જાણ કર્યા વગર છુટ્ટી પર નીકળી જાય છે. આવું કયા સાયન્સ સેન્ટરમાં થતું હશે એ એક સવાલ છે. ફિલ્મમાં ઘણા ડાયલૉગ દ્વારા પંચ લાઇન આપવાની કોશિશ કરી છે, પરંતુ ઘણી જગ્યાએ એ નિષ્ફળ રહે છે.
આખરી સલામ
પંદર ઑગસ્ટ નિમિત્તે ભારત દેશ પર ગર્વ હોવાને કારણે અને આપણા વૈજ્ઞાનિકોની ગાથાને સિનેમાના રૂપે જોવા માટે પણ આ ફિલ્મ થિયેટરમાં જોઈ શકાય છે.
મિડ-ડે મિટર
4 સ્ટાર

akshay kumar vidya balan