ફિલ્મ-રિવ્યુ બાલાઃ ડોન્ટ બી શાય માય હની

09 November, 2019 11:52 AM IST  |  Mumbai | Harsh Desai

ફિલ્મ-રિવ્યુ બાલાઃ ડોન્ટ બી શાય માય હની

ફિલ્મ બાલાનું પોસ્ટર

ડ્વેઇન જૉન્સન, વિન ડીઝલ, રાકેશ રોશન અને અનુપમ ખેર જેવી સેલિબ્રિટીઝ બૉલ્ડ લુકને ફેમસ બનાવી ચૂકી છે, પરંતુ ગામડાંઓમાં અને નાનાં શહેરોમાં હજી પણ ઓછા વાળને લઈને ઘણી વ્યક્તિને ઇન્સિક્યૉરિટી ફીલ થતી હોય છે. જોકે મુંબઈ જેવી મેટ્રો સિટીમાં પણ આવી ઇન્સિક્યૉરિટી ઘણી વ્યક્તિને હોય છે. મારી સાથે કામ કરતા મારા એક સહકમર્ચારીને પણ એક ઇન્સિક્યૉરિટી છે કે આજે જો તેના વાળ હોત તો તે છોકરીઓ સાથે વધુ કૉન્ફિડન્સથી વાત કરી શકત. જોકે આવી જ એક ઇન્સિક્યૉરિટી આયુષ્માન ખુરાનામાં એટલે કે બાલમુકુંદ શુક્લા એટલે કે ‘બાલા’માં છે.
કૉમેડી કે સાથ મેસેજ
ફિલ્મ એક કૉમેડી છે, પરંતુ એમાં પોતાની જાતને સ્વીકારી ખુશ રહેવાનો એક મેસેજ આપવામાં આવ્યો છે. તમારો કલર, વાળ કે શરીર ગમે એવું હોય એનો સ્વીકાર કરો અને મસ્ત મૌલા બનો એ મેસેજને કૉમેડી અંદાજમાં કહેવામાં આવ્યો છે. ‘બાલા’માં આયુષ્માન ખુરાનાએ બાલમુકુંદ એટલે કે બાલાનું પાત્ર ભજવ્યું છે. તેના રેશમી વાળને કારણે તેનું નામ બાલા રાખવામાં આવ્યું હોય છે. સ્કૂલમાં તે હીરોની જેમ રહેતો હોય છે અને છોકરીઓમાં તે તેના વાળને કારણે ફેમસ હોય છે. શાહરુખ ખાનના ડાયલૉગ મારી તે છોકરીઓને ઇમ્પ્રેસ કરતો હોય છે. જોકે ફિલ્મમાં શાહરુખનો ફૅન બનવાનો આઇડિયા આયુષ્માનનો પોતાનો હતો. તે પોતે રિયલ લાઇફમાં શાહરુખનો ખૂબ જ મોટો ફૅન છે અને તે આ ફિલ્મમાં પણ જોઈ શકાશે. બાલા જેમ-જેમ મોટો થતો જાય છે તેમ-તેમ તેના વાળ ઓછા થતા જાય છે. બાલાની સ્કૂલની ગર્લફ્રેન્ડ તેને જવાનીમાં છોડીને જતી રહે છે અને અન્ય છોકરાને ડેટ કરે છે. આયુષ્માન જેવાં જ કદ-કાઠી ધરાવતા વ્યક્તિને દેખાડવામાં આવે છે અને એ બન્નેમાં ફક્ત એક જ ફરક હોય છે, વાળનો. આ વ્યક્તિ કોણ છે એ પણ સરપ્રાઇઝ છે. અહીંથી સ્ટોરી આગળ વધે છે. ગર્લફ્રેન્ડ છોડતાંની સાથે જ તેને નોકરીમાં પણ મુશ્કેલીઓ પડવા લાગે છે. તેના ઓછા વાળને કારણે તે પ્રેઝન્ટેબલ નથી
લાગતો અને ઉંમરલાયક દેખાતો હોવાથી તેને માર્કેટિંગમાંથી ઇન્વેન્ટરીમાં મૂકી દેવામાં આવે છે. જોકે તેને એક અસાઇનમેન્ટ મળે છે અને ઍડના શૂટ માટે તે જાય છે. અહીં તેની મુલાકાત ટિક-ટોક સ્ટાર લોકલ ગર્લ યામી ગૌતમ એટલે કે પ્રિયા મિશ્રા સાથે થાય છે. પ્રિયાને મળવા પહેલાં બાલા તેના વાળને ફરી લાવવા માટે ૨૦૦થી વધુ નુસખા અપનાવી ચૂક્યો હોય છે. જોકે અંતે તે વિગનો ઉપયોગ કરે છે. વિગને કારણે તેનામાં કૉન્ફિડન્સ આવે છે અને તે તેના ચાર્મથી યામીને પોતાના તરફ આકર્ષિત કરે છે. યામી તેના પ્રેમમાં પડે છે અને આગળ શું થાય છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે.
સ્ટોરી અને ડાયલૉગ
કૉમેડી ફિલ્મ તરીકે પ્રમોટ કરવામાં આવી રહેલી આ ફિલ્મ તેની પ્રૉમિસ પર ખરી ઊતરે છે. જોકે કૉમેડીની સાથે એમાં એક ખૂબ જ સુંદર મેસેજ પણ આપવામાં આવ્યો છે. કોઈ ફિલ્મની સફળતા માટે સૌથી પહેલાં સ્ટોરી મહત્ત્વની હોય છે. સ્ટોરીને કેવી રીતે સ્ક્રિપ્ટ પર રજૂ કરવામાં આવે એ ખૂબ જ મહત્ત્વનું છે. આ ફિલ્મને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના રાઇટર નિરેન ભટ્ટ દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મ એટલી ફાસ્ટ ચાલે છે કે તમને કંટાળા માટેનો ચાન્સ પણ નથી મળતો. સ્ટોરી ખૂબ જ ફાસ્ટ અને ગ્રિપિંગ છે. ઇન્ટરવલ સુધી ફિલ્મને ખૂબ જ મનોરંજક બનાવવામાં આવી છે. બીજા પાર્ટમાં ફિલ્મ થોડી ધીમી અને ઇમોશનલ થઈ જાય છે. જોકે ગાડી ફરી તરત જ પાટા પર આવી જાય છે. સ્ટોરીની સાથે ડાયલૉગ પણ ખૂબ જ અદ્ભુત છે. કયા ફિલ્મના ડાયલૉગનો ક્યાં ઉપયોગ કરવો તેમ જ કઈ જગ્યાએ કઈ ફિલ્મનો રેફરન્સ આપવો એ ખૂબ જ મહત્ત્વનું છે. અહીં તમને લલનટાપ અને કંટાપથી લઈને ગોવિંદા, સની દેઓલના ડાયલૉગ તેમ જ થાનોસ અને કૅપ્ટન અમેરિકાની હેરસ્ટાઇલ જેવું ઘણું જોવા મળશે. ફિલ્મમાં બાલાના પિતાનું પાત્ર સૌરભ શુક્લાએ ભજવ્યું છે. સૌરભ શુક્લાને વાળ ન હોવાથી બાલા એવું માની લે છે કે તેને આ વારસામાં મળ્યું છે. જોકે તે અહીં તેની સરખામણી રાકેશ રોશન અને હૃતિક રોશન સાથે કરે છે. આ દૃશ્યને ખૂબ જ સુંદર રીતે લખવામાં આવ્યું છે, કારણ કે દૃશ્ય ખૂબ જ સિરિયસ હોવા છતાં એમાં તમને હ્યુમર જોવા મળશે. જોકે આ પર્ટિક્યુલર દૃશ્ય માટે રાઇટર, ડિરેક્ટર અને ઍક્ટર દરેક ખૂબ જ મહત્ત્વના છે.
ડિરેક્શન
‘સ્ત્રી’ના ડિરેક્ટર અમર કૌશિકની આ બીજી ફિલ્મ છે. અમર કૌશિક પોતે ઉત્તર પ્રદેશનો હોવાથી તેણે આ સ્ટોરીમાં એ રાજ્યનો ભરપૂર ટચ આપ્યો છે. કૉમન લૅન્ગ્વેજથી લઈને શહેરની સુંદરતાને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવી છે. અમર કૌશિકનું ડિરેક્શન ખૂબ જ સુંદર છે. ફિલ્મની શરૂઆતમાં અને એન્ડમાં એક દૃશ્ય છે. શરૂઆતના દૃશ્યમાં બાલાનું બાળપણ હોય છે અને એન્ડમાં બાલાની યુવાની. આ બન્ને દૃશ્યોમાં તે એક સિગારેટ એટલે કે ચૉકલેટ ખાતો જોવા મળે છે. ૯૦ના દાયકાનાં મોટાં ભાગનાં બાળકો આ ચૉકલેટ દ્વારા સિગારેટ પીતા હોય એવી ઍક્ટિંગ કરતાં હતાં. આ દૃશ્ય સહિત કાનપુર-લખનઉની સુંદરતાને પણ ખૂબ જ સારી રીતે વણી લેવામાં આવી છે. જાહેર જગ્યા હોય કે પછી નાનકડી શેરી, ઘરમાં ભાઈઓ વચ્ચે થતી લડાઈ હોય કે પછી ક્રિકેટ રમતાં દરમ્યાન થતી લડાઈ બધુ સંપૂર્ણ વાસ્તવિક હોય એવું દેખાડવામાં આવ્યું છે.
પર્ફોર્મન્સ
આયુષ્માન ખુરાનાની છેલ્લી છ ફિલ્મો હિટ ગઈ છે. આ તમામ ફિલ્મ જોયા બાદ એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે દરેક ફિલ્મમાં તેની ઍક્ટિંગમાં સુધારો થઈ રહ્યો છે. ‘બાલા’ તેની અત્યાર સુધીની ઍક્ટિંગની દૃષ્ટિએ ખૂબ જ
અદ્ભુત ફિલ્મ કહી શકાય. શાહરુખ ખાન, ગોવિંદા, સની દેઓલ અને દેવ આનંદ તમામની તે મિમિક્રી કરતો જોવા મળ્યો છે અને એ કરતો જોવો પણ ગમે એમ છે. મોટા ભાગે શાહરુખ ખાનની નકલ કરતી વ્યક્તિને જોવી નથી ગમતી, કારણ કે તે તેની સ્ટાઇલથી એકદમ વિપરીત હોય છે. જોકે અહીં તેણે એ માટે પણ ખૂબ જ કાળજી રાખી છે. બાલાના પિતા સૌરભ શુક્લાની સાથે મૌસીનું પાત્ર ભજવતી સીમા પાહવા અને બચ્ચન દુબેનું પાત્ર ભજવતા જાવેદ જાફરીએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે. યામી અત્યાર સુધીના તેના એકદમ અલગ પાત્રમાં જોવા મળી છે. નાનકડા શહેરની છોકરી જેના માટે લુક, સ્ટાઇલ, સેલ્ફી અને લાઇક્સ કેટલી મળે છે એ જ મહત્ત્વનું હોય છે. લુકથી વધુ તેના માટે કંઈ નથી એ પ્રિયાનું પાત્ર ખૂબ જ સારી રીતે કહી દે છે. ભૂમિએ ફિલ્મમાં બાલાની બાળપણની મિત્ર લતિકા ત્રિવેદીનું પાત્ર ભજવ્યું છે. લતિકા બાળપણથી રંગભેદનો શિકાર બનતી આવી છે. જોકે તેના શ્યામ રંગને તેણે સ્વીકારી લીધો હોય છે અને તે સતત બાલાને તેના વાળ ઓછા છે એ સ્વીકારી લેવા અને પોતામાં ખુશ રહેવા માટે પ્રેરણા આપતી જોવા મળે છે. ભૂમિ એક સ્ટ્રૉન્ગ ઍક્ટર છે, પરંતુ આ પાત્રમાં તે બંધ નથી બેસતી. તેને શ્યામ રંગની દેખાડવામાં મેર્ક્સ નિષ્ફળ રહ્યા છે. ફિલ્મમાં બધું વાસ્તવિક લાગે છે, ફક્ત ભૂમિને છોડીને.
મ્યુઝિક
ફિલ્મનું મ્યુઝિક સચિન-જિગરે આપ્યું છે. થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘મેડ ઇન ચાઇના’માં પણ તેમણે મ્યુઝિક આપ્યું હતું, પરંતુ એ ઘણું લાઉડ હતું. જોકે આ ફિલ્મમાં મ્યુઝિકે ખૂબ જ મહત્ત્વનો પાર્ટ ભજવ્યો છે. ઘણાં દૃશ્ય એવાં છે જેમાં મ્યુઝિક દ્વારા પરિસ્થિતિ શું છે અને શું થવાનું છે એ જણાવવામાં આવ્યું છે. ગીત પણ તમામ સારાં છે. ‘ટકીલા’માં દેશી ડાન્સ પણ દેખાડવામાં આવ્યો છે. ‘ડોન્ટ બી શાય હની’ એન્ડ-ક્રેડિટમાં આવે છે. જોકે આ ગીતમાં ફિલ્મની તમામ સ્ટોરીને સંક્ષિપ્તમાં કહેવામાં આવી છે.

સ્ટાર- 3.5
આખરી સલામ
અદ્ભુત પર્ફોર્મન્સ, ગ્રિપિંગ સ્ટોરી લાઇન, અમેઝિંગ પંચલાઇન્સથી ભરપૂર આ ફિલ્મ ‘હાઉસફુલ 4’નો હૅન્ગઓવર ઉતારવા માટે અદ્ભુત છે.

ayushmann khurrana bhumi pednekar yami gautam