રાની મુખર્જી અને દીપ્તિ શર્માનો લિંગ સમાનતાનો શક્તિશાળી સંદેશ: ‘લેબલ્સને કહો ના’

25 January, 2026 08:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Republic Day 2026: ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ યશ રાજ ફિલ્મ્સ દ્વારા એક પ્રભાવશાળી અને વિચાર પ્રેરક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં રાની મુખર્જી અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા નજરે પડે છે.

રાની મુખર્જી અને દીપ્તિ શર્માનો લિંગ સમાનતાનો શક્તિશાળી સંદેશ: ‘લેબલ્સને કહો ના’

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ યશ રાજ ફિલ્મ્સ દ્વારા એક પ્રભાવશાળી અને વિચાર પ્રેરક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી રાની મુખર્જી અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર તથા વર્લ્ડ કપ ‘પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ’ દીપ્તિ શર્મા નજરે પડે છે. આ વીડિયો સમાજમાં વ્યાપક રીતે ફેલાયેલી લિંગ આધારિત લેબલ લગાવવાની માનસિકતાને પડકાર આપે છે અને સમાનતા તથા પ્રતિભાના મૂલ્યને ઉજાગર કરે છે. 

વીડિયોમાં રાની મુખર્જી અને દીપ્તિ શર્મા વચ્ચેની સહજ અને નિખાલસ વાતચીત દ્વારા એક મહત્વનો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે જ્યારે શેફ, પાયલટ કે અન્ય પ્રોફેશનને જેન્ડર સાથે નથી જોડવામાં આવતા, તો પછી ઉપલબ્ધિઓને ‘મહિલા’ અથવા ‘પુરુષ’ તરીકે કેમ ઓળખવામાં આવે? આ સંવાદ સમાજમાં ઊંડે સુધી વસી ગયેલી વિચારસરણીને પ્રશ્નાર્થ બનાવે છે.

કેમેરાની પાછળનું સમગ્ર કામ સંપૂર્ણપણે મહિલા ટીમ દ્વારા કરવામાં આવ્યું

આ વીડિયોની ખાસ વાત એ પણ છે કે કેમેરાની પાછળનું સમગ્ર કામ સંપૂર્ણપણે મહિલા ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, જે લિંગ સમાનતાની વિચારધારાને વધુ મજબૂતી આપે છે. આ પ્રયાસ માત્ર સ્ક્રીન પર નહીં પરંતુ સર્જનાત્મક પ્રક્રિયામાં પણ સમાનતાનો સંદેશ પહોંચાડે છે.

વીડિયોના અંતે રાની મુખર્જી અને દીપ્તિ શર્મા એક અત્યંત પ્રભાવશાળી સંદેશ સાથે દર્શકોને સંબોધે છે: “અચીવમેન્ટ્સનો કોઈ જેન્ડર હોતો નથી. આ રિપબ્લિક ડે પર, લેબલ્સને છોડી દો.”

ગણતંત્ર દિવસના અવસરે રજૂ થયેલો આ વીડિયો માત્ર પ્રેરણાદાયક જ નહીં, પરંતુ સમાજને આત્મમંથન કરવા મજબૂર કરતો એક સશક્ત પ્રયાસ પણ છે, જે સમાનતા, ક્ષમતા અને માનવ મૂલ્યની સાચી સમજ અપાવવાનો પ્રયાસ કરે છે.

રાની મુખરજી છેલ્લાં ત્રીસ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. હાલમાં રાની મુખરજીએ કરણ જોહર સાથે એક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. રાનીની કરીઅરનાં ત્રીસ વર્ષ સેલિબ્રેટ કરવા માટે યોજાયેલી આ ઇવેન્ટમાં રાની વાતચીત દરમ્યાન પોતાની જર્ની યાદ કરીને ઇમોશનલ થઈ ગઈ હતી અને તેની આંખમાં આંસુ આવી ગયાં હતાં. આ ઇવેન્ટમાં રાનીએ ખુલાસો કર્યો કે ફિલ્મ ‘ગુલામ’ના શૂટિંગ દરમ્યાન આમિર ખાને તેને કહ્યું હતું કે તેનો અવાજ પાત્રને સૂટ નથી કરતો અને એટલે તેનો અવાજ કોઈ બીજી વ્યક્તિ પાસે ડબ કરાવવો પડશે. આ નિર્ણયથી રાની ખૂબ દુખી થઈ ગઈ હતી. રાનીએ પોતાની એ લાગણી વિશે વાત કરતાં કહ્યું કે ‘હું એ બતાવી શકતી નહોતી કે હું દુખી છું, કારણ કે જ્યારે તમે ફિલ્મનો ભાગ હો ત્યારે તમારે ટીમ-પ્લેયર બનવું પડે છે. તમારી પોતાની વ્યક્તિગત તકલીફ હોય તો પણ એનો કોઈ મતલબ રહેતો નથી.’

rani mukerji deepti sharma cricket news sports news republic day social media bollywood buzz bollywood news bollywood entertainment news