ગીતોને રીક્રીએટ કરો, પરંતુ એને ફાલતુ ન બનાવો : ફાલ્ગુની પાઠક

28 September, 2022 03:41 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

ફાલ્ગુનીના ‘મૈંને પાયલ હૈ છનકાઈ’નું રીમિક્સ બનાવવામાં આવ્યું છે અને એને નેહા કક્કરે ગાયું છે

ફાલ્ગુની પાઠક

ફાલ્ગુની પાઠકે જણાવ્યું છે કે ગીતોને રીક્રીએટ કરો, પરંતુ એને ફાલતુ ન બનાવો. ફાલ્ગુનીના ‘મૈંને પાયલ હૈ છનકાઈ’નું રીમિક્સ બનાવવામાં આવ્યું છે અને એને નેહા કક્કરે ગાયું છે. એને જોતાં સોશ્યલ મીડિયામાં લોકો નેહાને ટ્રોલ કરી રહ્યા છે. નેહાના આ ગીતમાં પ્રિયાંક શર્મા અને ધનશ્રી વર્મા દેખાઈ રહ્યાં છે. તનિષ્ક બાગચીએ એને કમ્પોઝ કર્યું છે. જોકે ફાલ્ગુની આ રીમિક્સને લઈને નારાજ છે. તાજેતરમાં જ તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેનાં ગીતોને રીક્રીએટ કરવામાં આવે તો એનાંથી તેને કોઈ વાંધો છે? એનો જવાબ આપતાં ફાલ્ગુનીએ કહ્યું કે ‘ઍડપ્ટ કરો, પરંતુ એને સારી રીતે કરો. આજકાલ રીમિક્સિસ બની રહ્યાં છે અને સારાં પણ બને છે. અમે પોતે પણ સ્ટેજ પર ગાઈએ છીએ. જોકે એને સારી રીતે બનાવો. તમે એને ફાલતુ શું કામ બનાવો છો?’
‘મૈંને પાયલ હૈ છનકાઈ’ જ્યારે રિલીઝ થયું ત્યારે લોકોને ખૂબ ગમ્યું હતું. એ ગીત વિશે ફાલ્ગુનીએ કહ્યું કે ‘મને લાગે છે કે એ ગીત ૨૦૦૦માં આવ્યું હતું. આજે પણ એ એટલું જ ફ્રેશ લાગે છે. હું આજે પણ જ્યારે આ ગીત પર્ફોર્મ કરું છું ત્યારે લોકો એ જ ઉમળકો દેખાડે છે જેટલો પહેલા દિવસે હતો. એને રીક્રીએટ કરો, અલગ રિધમ આપો, મૉડર્ન બનાવો; પરંતુ સારી રીતે બનાવો. એમાં જે બ્યુટી છે, જે સાદગી છે એને મત છંછેડો.’

entertainment news bollywood news bollywood bollywood gossips neha kakkar falguni pathak