પપ્પા મને મારી નાખવા માગતા હતા, પણ મમ્મીએ બચાવી લીધો

18 March, 2024 06:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળપણ તકલીફમાં પસાર થયું હોવાનું જણાવતાં રવિ કિશને કહ્યું...

રવિ કિશન

હિન્દી અને ભોજપુરી ફિલ્મોના અભિનેતા અને લોકસભાના સભ્ય રવિ કિશનનું બાળપણ તકલીફમાં પસાર થયું હતું. પપ્પા તેમને મારી નાખવા માગતા હતા. રવિ કિશન ફિલ્મોમાં આવે એ પપ્પાને પસંદ નહોતું. આ જ કારણ છે કે તેમણે ઘરેથી ભાગવું પડ્યું હતું. પોતાના બાળપણની એ પીડા વિશે રવિ કિશન કહે છે, ‘મારા પપ્પા પૂજારી હતા અને બ્રાહ્મણ હોવાથી તેમની ઇચ્છા હતી કે હું ખેતીવાડી કરું અથવા પૂજારી બનું, કાં તો સરકારી નોકરી કરું. તેઓ કદી માનવા તૈયાર જ નહોતા કે તેમના પરિવારમાં કલાકારનો જન્મ થયો છે. એથી ડાન્સ કરવો અથવા રામલીલામાં સીતાનો રોલ કરવો એ તેમને માટે શૉકિંગ હતું. તેમના તરફથી પડતા દરેક મારથી હું પાઠ શીખ્યો અને તેમણે રવિ કિશનને બનાવ્યો.’

પિતાની મારઝૂડથી કંટાળીને છેવટે રવિ કિશન ઘરેથી ભાગી ગયા હતા. એ વખતે તેમની પાસે માત્ર ૫૦૦ રૂપિયા હતા. જોકે આજે રવિ કિશન પર પિતાને ગર્વ છે. રવિની મમ્મીએ તેને ઘરેથી ભાગી જવા કહ્યું હતું. એ વિશે રવિ કિશન કહે છે, ‘મારા પપ્પા મને અતિશય માર મારતા હતા અને સતત મહેણાંટોણા મારતા હતા. તેઓ મને મારી નાખવા માગતા હતા અને આ વાતની મારી મમ્મીને ખબર પડી ગઈ હતી. મમ્મીને ખબર હતી કે તેમના પતિ મને મારી નાખવા માટે સક્ષમ છે. એનો પપ્પાને જરા પણ પસ્તાવો થયો ન હોત, કારણ કે તેમનામાં લાગણી જેવું કશું નહોતું. એટલે મમ્મીએ મને ભાગી જવા કહ્યું હતું.’

entertainment news bollywood buzz bollywood news bollywood ravi kishan