15 December, 2021 03:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કમલ હાસન પરથી રેફરન્સ લીધો હતો રવિ દુબેએ
રવિ દુબેનું કહેવું છે કે પ્રોસ્થેટિકની જ્યારે વાત કરવામાં આવે ત્યારે હંમેશાં કમલ હાસનનું નામ લેવામાં આવશે. રવિ દુબેએ ‘મત્સ્ય કાંડ’માં અગિયાર અલગ-અલગ અવતાર ધારણ કર્યા છે. એક એપિસોડમાં તે રણવીર ચૌધરી હોય તો બીજામાં તે અઝીઝ અન્સારી હોય છે. આ વિશે વાત કરતાં રવિ દુબેએ કહ્યું હતું કે ‘એક ઍક્ટર માટે સતત નવા પાત્રમાં રૂપાંતર થવાથી મોટી ગિફ્ટ કોઈ ન હોઈ શકે. આવી જ એક તક મને ‘મત્સ્ય કાંડ’માં મળી છે જેમાં મે અગિયાર પાત્ર ભજવ્યાં છે. હું એક કોનમૅન હતો અને રૂપ બદલવામાં માહેર હોવાથી દરેક એપિસોડમાં મારે નવો લુક ધારણ કરવાનો હતો. આથી મારે એ લુક માટે જુદી બોલી અને જુદી બૉડી લૅન્ગ્વેજ પણ દેખાડવી પડી હતી. મારી કરીઅરની આ સૌથી એક્સાઇટિંગ તક હતી. આશા રાખું છું કે હજી પણ મને આવી તક મળતી રહે, કારણ કે એક આર્ટિસ્ટ તરીકે મને કિક મળે છે. દર્શકોને પણ એ પસંદ આવી એ માટે હું આભારી છું. મને હજી પણ યાદ છે કે ‘ઇન્ડિયન’માં કમલ હાસન સરે કેવી રીતે વેશપલટો કર્યો હતો. એક દર્શક તરીકે હું અવચાક થઈ ગયો હતો. તેમણે જે રીતે પાત્ર ભજવ્યું હતું એ કાબિલે દાદ હતું. ઇન્ડિયન સિનેમામાં જે પણ વ્યક્તિ પ્રોસ્થેટિકનો ઉપયોગ કરે એના માટે તેઓ રેફરન્સ પૉઇન્ટ છે. મારા માટે પ્રોસ્થેટિક એક ચૅલેન્જ હતી અને મને રોજના સાડાચાર કલાક લાગતા હતા.’