આજે હું, અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી સારાં મિત્રો છીએ

18 February, 2026 12:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવીના ટંડને એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે બધાં જીવનમાં આગળ વધી ગયાં છીએ અને પરિવાર સાથે ખુશ છીએ

શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર, રવીના

૧૯૯૦ના દાયકામાં અક્ષય કુમાર અને રવીના ટંડન ઇન્ડસ્ટ્રીનાં સૌથી ચર્ચિત કપલમાં ગણાતાં હતાં. એ સમય દરમ્યાન બન્નેની રિલેશનશિપની ઘણી ચર્ચા થતી હતી અને એવી પણ અફવાઓ હતી કે બન્નેએ સગાઈ કરી લીધી હતી. જોકે અંતે બન્નેના રસ્તા અલગ થઈ ગયા. આ પછી અક્ષયનું નામ શિલ્પા શેટ્ટી સાથે જોડાયું, જેના કારણે રવીના અને શિલ્પા વચ્ચે મનદુઃખ હોવાની ચર્ચાઓ પણ લાંબા સમય સુધી ચાલતી રહી.

હવે વર્ષો બાદ પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. રવીનાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું કે હવે તેમની વચ્ચે કોઈ મતભેદ નથી અને તેઓ બધાં જીવનમાં આગળ વધી ચૂક્યાં છે. રવીનાએ જણાવ્યું કે એ સમય યુવાનીનો હતો જ્યારે લિન્ક-અપ, બ્રેકઅપ અને સંબંધોની ચર્ચાઓ સામાન્ય બાબત હતી. રવીનાએ સ્પષ્ટતા કરી કે આજે હું, અક્ષય અને શિલ્પા બધાં એકબીજાનાં મિત્રો છે અને પોતાના પરિવારો સાથે ખુશ છે.

રવીનાએ કહ્યું કે હવે તે અને શિલ્પા ઘણી વાતો પર સાથે હસે છે અને જૂના દિવસોને યાદ કરે છે. તેના મતે એક જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો માટે આવા ઉતાર-ચડાવ સામાન્ય હોય છે અને સમય સાથે બધું સ્વાભાવિક રીતે ઠીક થઈ જાય છીએ.

રવીના અને અક્ષય ફરીથી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં રવીનાએ કહ્યું કે ‘આ ફિલ્મમાં સાથે કામ કરવાનો અનુભવ ખૂબ મજેદાર રહ્યો અને વર્ષો પછી ફરી સાથે કામ કરવાનું ખૂબ ગમ્યું. સમય સાથે માણસ વધુ પરિપક્વ અને સમજદાર બને છે અને એ જ કારણે આજે બધાં વચ્ચે સારા સંબંધો છે.’

raveena tandon shilpa shetty akshay kumar sex and relationships bollywood buzz bollywood news bollywood entertainment news