27 October, 2026 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય-રશ્મિકા
દક્ષિણ ભારતીય સિનેમાની સ્ટાર જોડી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હાલમાં પોતાના લગ્નજીવનને લઈને થઈ રહેલી ચર્ચાઓથી પરેશાન છે. તાજેતરમાં બન્ને લોકપ્રિય શો ‘કૉફી વિથ કરણ’ની નવમી સીઝનમાં હાજર રહ્યાં હતાં અને ત્યાં આપેલાં નિવેદનો બાદ આ ચર્ચાએ વેગ પકડ્યો છે. સોશ્યલ મીડિયા પર કેટલાક યુઝર્સે તેમના સંબંધો પર સવાલો ઉઠાવ્યા, તો કેટલાકે રશ્મિકાને માગ્યા વગરની સલાહ આપવાનું શરૂ કર્યું. હવે રશ્મિકા અને વિજયે અલગ-અલગ પોસ્ટ કરીને સોશ્યલ મીડિયામાં પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.
હું ખુશ અને સંતુષ્ટ : રશ્મિકા
પોતાના પતિ વિજય પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની રીત પર સવાલ ઉઠાવનારા લોકોને જવાબ આપતાં રશ્મિકાએ પોસ્ટમાં લખ્યું હતું કે ‘હું વિજયને ખૂબ પ્રેમ કરું છું અને આ વાત ખુલ્લેઆમ વ્યક્ત કરતાં અચકાઈશ નહીં. પોતાના પતિના પ્રેમમાં સંપૂર્ણપણે ડૂબી રહેવામાં આખરે ખોટું શું છે? વિજય એવી વ્યક્તિ છે જેની સાથે હું જીવનની સામાન્ય પળો વિતાવવા, બાળકોનો ઉછેર કરવા અને જીવનના અંતિમ પડાવ સુધી સાથે રહેવા માગું છું. જો મને ફરીથી લગ્ન કરવાની તક મળશે તો હું ફરી વિજયને જ પસંદ કરીશ. મારા માટે પ્રેમનો અર્થ એ છે કે જીવનસાથી સાથે રહેવાની ખુશી સમય જતાં ઓછી થવાને બદલે જળવાઈ રહે. મેં અને વિજયે પોતાની મહેનત અને નિર્ણયોના આધારે કરીઅર બનાવી છે. અમે જીવનમાં શું ઇચ્છીએ છીએ અને કોની સાથે ભવિષ્ય વિતાવવા માગીએ છીએ એનો નિર્ણય લેવા સક્ષમ છીએ. અમને અમારા અંગત નિર્ણયો વિશે અજાણ્યા લોકો સામે સ્પષ્ટતા આપવાની જરૂર નથી. જે લોકો મારી ચિંતા કરવાના નામે મને વિજય સાથેના સંબંધ વિશે ફરી વિચારવાની સલાહ આપી રહ્યા છે અને ખરેખર મારું ભલું ઇચ્છે છે એની લાગણીઓની હું કદર કરું છું પણ હું જ્યારે જીવનના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે આમાંથી કેટલા લોકો મારી સાથે હાજર હતા? જરૂરિયાતના સમયે વિજયે મને સાથ આપ્યો છે અને આજે પણ તે મારી સાથે ઊભો રહે છે. હું ખુશ છું, સંતુષ્ટ છું અને મારા જીવન માટે આભારી છું. લોકો મારા વિશે કંઈ પણ કહે હું સહન કરી શકું છું, પણ મારા પરિવારના સભ્યોને જાણ્યા વિના તેમના વિશે ટિપ્પણી કરવી ખોટી વાત છે. કોઈ મહિલાના પરિવારને નિશાન બનાવવું નારીવાદ નથી, પણ નારીવાદની આડમાં કરવામાં આવતી હેરાનગતિ છે. નારીવાદનો સાચો અર્થ લોકોને પોતાની જિંદગીના નિર્ણયો જાતે લેવાની સ્વતંત્રતા આપવાનો છે, નહીં કે કોઈ વ્યક્તિને તેની પસંદગી માટે નીચી દેખાડવાનો. મને મારા નિર્ણયથી પ્રેમ અને ખુશી મળી છે અને હું બીજાએ કેવી રીતે જીવવું જોઈએ એ કહેવા માગતી નથી. જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં ખુશ હોય તો તેણે બીજાના નિર્ણયો પર સવાલો ઉઠાવવાને બદલે પોતાની ખુશીઓ પર ધ્યાન આપવું જોઈએ. હું મારા કન્નડા ચાહકોની આભારી છું અને છેલ્લાં ૧૦ વર્ષથી મળી રહેલા પ્રેમ અને સહકાર માટે મારી જાતને ભાગ્યશાળી માનું છું. મને આનંદ છે કે મારા ચાહકો આજે પણ મને એટલા જ પ્રેમ અને આત્મીયતાથી સ્વીકારે છે અને મારા કામને પસંદ કરે છે.’
હું નસીબદાર છું : વિજય
‘કૉફી વિથ કરણ’ની નવમી સીઝનમાં વિજય અને રશ્મિકા વચ્ચેની વાતચીતમાં તેમનાં સંબંધો, લગ્ન અને સાથે કરેલા વ્યાવસાયિક કામ વિશે ચર્ચા થઈ હતી. જોકે વિજયની કેટલીક કમેન્ટ્સને કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી. કેટલાક દર્શકોએ વિજય પર રશ્મિકા સાથે ઘમંડી અને અપમાનજનક રીતે વર્તવાનો આરોપ લગાવ્યો હતો. રશ્મિકાએ લગ્ન માટે ‘૧૦૦ વાર’ પૂછવું પડ્યું હતું એવા વિજયના ખુલાસા પછી અનેક સોશ્યલ મીડિયા યુઝર્સે તેને રિલેશનશિપ માટે ‘રેડ ફ્લૅગ’ ગણાવ્યો હતો. હવે વિજય દેવરકોંડાએ સોશ્યલ મીડિયામાં વિડિયો શૅર કરીને સંદેશ આપ્યો હતો કે ‘મારી સૌથી સારી મિત્ર, મારી પત્ની, મારી પ્રેમિકા. મારા જીવનની સૌથી સુંદર બાબતોમાંની એક, જેને મેં સંપૂર્ણપણે સાચી રીતે પસંદ કરી છે. અમારી ચિંતા કરનારા સૌને કહેવાનું કે અમે બન્ને ખૂબ જ ખુશ છીએ. હું નસીબદાર છું. પ્રેમની ઉજવણી કરતા અને ખુશીથી જીવવાની સાદગીને સમજતા સૌને ખૂબ પ્રેમ. હવે, કોઈ પણ પ્રકારની દયા કે માન-સન્માન રાખવાનો જરાય ઇરાદો ન હોવાથી બાકીના બધા પોતાનું જોઈ લે અને અમારાથી દૂર રહે....દેવરકોંડા વિજય સાઈ.’
કરણ જોહરના શો ‘કૉફી વિથ કરણ 9’માં હાજરી આપ્યા બાદ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર થઈ રહેલું ટ્રોલિંગ હવે કાનૂની વળાંક લઈ રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે બન્ને કલાકારોના મૅનેજર પી. નિશાંત કુમારે કથિત રીતે બનાવટી કન્ટેન્ટ, ઓળખની નકલ કરીને કરવામાં આવતી પ્રવૃત્તિઓ અને દંપતીને નિશાન બનાવીને થતી ઑનલાઇન હેરાનગતિ વિશે હૈદરાબાદ સાઇબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે.
કલાકારોની ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ-નોટ અનુસાર સોશ્યલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલા કથિત ખોટા અને ભ્રામક કન્ટેન્ટની તપાસ કરવાની માગણી ફરિયાદમાં કરવામાં આવી છે અને ટીમે તપાસ માટે સંબંધિત લિંક્સ અને પુરાવા પણ સત્તાવાળાઓને સોંપ્યાં છે.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કલાકારો વિશે ભ્રામક વાતો ફેલાવવા માટે ફેરફાર કરેલા સ્ક્રીનશૉટ્સ, બનાવટી કન્ટેન્ટ અને ઓળખની નકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિજય અને રશ્મિકાની ટીમે સ્પષ્ટ કર્યું છે કે આ પગલું અભિવ્યક્તિની સ્વતંત્રતા કે વાજબી ટીકાને રોકવા માટે નથી, પણ જાણીજોઈને ફેલાવવામાં આવતી ખોટી માહિતી અને સંભવિત ગેરકાયદે ઑનલાઇન પ્રવૃત્તિઓ માટે જવાબદારી નક્કી કરવાના હેતુથી લેવામાં આવ્યું છે.
ટીમે સોશ્યલ મીડિયા યુઝર્સને ચકાસણી કર્યા વિના કોઈ પણ દાવા શૅર ન કરવાની અપીલ પણ કરી છે અને જરૂર પડ્યે યોગ્ય કાનૂની ઉપાયો અપનાવવામાં આવશે એમ પણ જણાવાયું છે.