‘રાસ્કલ્સ’ને રિલીઝ પહેલાં જ મોટો ફટકો

04 October, 2011 08:49 PM IST  | 

‘રાસ્કલ્સ’ને રિલીઝ પહેલાં જ મોટો ફટકો

 

દેશભરમાં ૧૨૬ સ્ક્રીન્સ ધરાવનાર સિનેમૅક્સને પ્રોડ્યુસરો સાથે વાંધો હોવાને કારણે ફિલ્મ બતાવવાની ના પાડી દીધી

ફિલ્મના કો-પ્રોડ્યુસર સંજય અહલુવાલિયા અને રૂપાલી ઓમ એન્ટરટેઇનમેન્ટના વિનય ચોકસીનો મલ્ટિપ્લેક્સ ચેઇન સિનેમૅક્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેનો આર્થિક બાબતે શરૂ થયેલો ઝઘડો હવે અંત લેવાનું નામ નથી લઈ રહ્યો અને એને કારણે જ ફિલ્મને આ મલ્ટિપ્લેક્સની કોઈ પણ સ્ક્રીનમાં રિલીઝ નહીં થવા દેવામાં આવે.

સિનેમૅક્સે સંજય અહલુવાલિયા અને વિનય ચોકસી પર હાઈ કોર્ટમાં કેસ કર્યો છે કે બન્ને કો-પ્રોડ્યુસરોએ ૨૦૦૮માં બે કરોડ રૂપિયા ઉધાર લીધા હતા, પણ હજી સુધી તેમણે એ પાછા નથી આપ્યા. સિનેમૅક્સના સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) સુનીલ પંજાબી કહે છે, ‘તેઓ અમારી સાથે ફિલ્મ બનાવવાના હતા, પણ એ ક્યારેય બની જ નહીં. આને કારણે અમે તેમના પર કેસ કર્યો છે.’

સિનેમૅક્સે ‘રાસ્કલ્સ’ની રિલીઝ પર રોક લગાવવા માટે પણ કેસ કર્યો છે.

સંજય દત્ત, અજય દેવગન કે ડેવિડ ધવન સાથે કોઈ દુશ્મની ન હોવા છતાં તેમણે કેમ ‘રાસ્કલ્સ’ પર આ કેસ અને સ્ક્રીનિંગ ન થવા દેવાનો નર્ણિય લીધો એ વિશે સુનીલ પંજાબી કહે છે, ‘અમે કોઈ ગેરકાનૂની કે ખોટી વાતની માગણી નથી કરી. જે રકમ અમે તેમને આપી હતી એ અમને મળી જાય એટલે આ કેસ પણ ખતમ થઈ જશે, પણ એ બાબતે તેમના તરફથી કોઈ અભિપ્રાય જ નથી આવી રહ્યો. ત્રણ વર્ષ રાહ જોયા પછી અમે આ રીઍક્શન આપ્યું છે.’

વિનય ચોકસી અને સંજય અહલુવાલિયાએ થોડા દિવસ પહેલાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન જણાવ્યું હતું કે તેમણે બે કરોડ રૂપિયા લીધા હતા, પણ એ ‘રાસ્કલ્સ’ માટે નહોતા અને જે ફિલ્મ માટે હતા એમાંથી સિનેમૅક્સ સાથે સંકળાયેલા લોકો સામેથી જ ખસી ગયા હતા, તો રૂપિયા પાછા કરવાનો સવાલ જ ઊભો નહોતો થતો.

આ કેસની સુનાવણી આજે મુંબઈ હાઈ કોર્ટમાં થશે. જોકે ટ્રેડ સાથે સંકળાયેલા લોકોના માનવા પ્રમાણે ફિલ્મના કલેક્શનમાં મોટો ફટકો પડશે, કારણ કે સિનેમૅક્સનાં દેશભરમાં ૩૬ મલ્ટિપ્લેક્સ છે અને એમાં કુલ ૧૨૬ સ્ક્રીન્સ છે. આ હિસ્સો ઑલ-ઇન્ડિયા કલેક્શનમાં મામૂલી ન ગણાય.