15 July, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર’નું ટીઝર તેના જન્મદિવસે છઠ્ઠી જુલાઈએ રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે ફિલ્મના સેટ પરનો એક વિડિયો લીક થયો છે જેમાં રણવીર હાથમાં બંદૂક લઈને એક વ્યક્તિનો પીછો કરતો જોવા મળી રહ્યો છે.
આ લીક થયેલા વિડિયોમાં રણવીર એક સીનની તૈયારી કરી રહ્યો છે અને તેણે કાળાં કપડાં પહેર્યાં છે. રણવીરના હાથમાં બંદૂક છે અને કોઈનો પીછો કરતાં-કરતાં દોડી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ સીનનું પંજાબમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં પાકિસ્તાનનો ઝંડો પણ જોવા મળી રહ્યો છે. આ સીન જોઈને ફૅન્સ દાવો કરી રહ્યા છે કે આ વાર્તામાં ભારત અને પાકિસ્તાનનો પણ એક ઍન્ગલ છે અને એ હિસ્સાનું જ શૂટિંગ થઈ રહ્યું છે.
‘ધુરંધર’નું નિર્દેશન ‘ઉરી ઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ના ડિરેક્ટર આદિત્ય ધરે કર્યું છે. આ ફિલ્મમાં રણવીર ઉપરાંત આર. માધવન, સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ અને સારા અર્જુન પણ છે. આ ફિલ્મ ૨૦૨૫ની પાંચ ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે.