કિશોર વયમાં થતાં અપરાધો વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવશે રાની મુખરજી

28 November, 2019 10:41 AM IST  |  Mumbai

કિશોર વયમાં થતાં અપરાધો વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવશે રાની મુખરજી

રાણી મુખર્જી

રાની મુખરજીએ જણાવ્યું છે કે તેની ‘મર્દાની 2’નાં પ્રમોશનનાં ભાગ રૂપે તે ભારતની વિવિધ કૉલેજમાં જઈને કિશોર અવસ્થામાં કરવામાં આવતા અપરાધો પર પ્રકાશ પાડશે. ‘મર્દાની 2’ ૨૦૧૪માં આવેલી ‘મર્દાની’ની સીક્વલ છે. આ ફિલ્મમાં રાની એક નિર્ભય અને પોતાની ફરજને સમર્પિત એવી સુપ્રીન્ટેન્ડન્ટ ઑફ પોલીસ શિવાની શિવાજી રૉયનાં પાત્રમાં જોવા મળશે. યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મ ૧૩મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. દેશમાં વધતા ક્રાઇમ સંદર્ભે વિદ્યાર્થીઓને સજાગ બનાવવા વિશે રાનીએ કહ્યું હતું કે ‘કૉલેજનાં વિદ્યાર્થીઓની ઉંમરને ધ્યાનમાં રાખતાં આવા પ્રકારનાં ડર તેમનાં માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે. સાથે જ આ ડર પરિવારોમાં પણ વધી રહ્યો છે કારણ કે આપણે સૌ આપણાં બાળકોને એક ઉજ્જવળ અને નિડર ભવિષ્ય આપવા માગીએ છીએ. મારી ઇચ્છા છે કે હું જેમ બને એમ વધુ વિદ્યાર્થીઓને મારા કૅમ્પેનનાં ભાગરૂપે મળું. સાથે જ ભારતમાં મહિલાઓ સાથે કિશોરો દ્વારા કરવામાં આવતા હિંસક અપરાધો વિશે સજાગતા ફેલાવું. હું વિવિધ કૉલેજીસમાં મહિલાઓનાં કલ્યાણ માટે કામ કરતા વિભાગનાં સદસ્યોને મળીશ અને ચર્ચા કરીશ કે આ ગંભીર અને પડકારજનક સામાજિક મુદ્દો જેનો વિદ્યાર્થીઓ કૉલેજની અંદર સામનો કરે છે એ વિશે વધુ અસરકારક ઢબે કઈ રીતે જાગૃક્તા લાવી શકાય. વિદ્યાર્થીઓને આ દિશામાં સજાગ કરવા ખૂબ જરૂરી છે કારણ કે ડર તેમની આસપાસ ફેલાયેલો છે, તેમની સાથે ચાલે છે, તેમની સાથે બેસે છે અને એક શિકારની જેમ સતત તેમનાં તરફ જુએ છે. આપણે જે જગતમાં રહીએ છીએ એની હાલમાં ખૂબ જ કપરી સ્થિતિ છે. એમાં પણ આપણાં બાળકોનો ઉછેર કરવો, ખાસ કરીને દીકરીઓનો ઉછેર કરવો અને તેમને કોઈ પણ સંજોગોમાં સલામત રાખવી. આશા રાખુ છું કે મારો જાગૃતિનો આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે.’

rani mukerji entertaintment mardaani