રાનીએ પોતે કરી ફિલ્મમાં પહેરવાની સાડીની પસંદગી

28 October, 2012 05:27 AM IST  | 

રાનીએ પોતે કરી ફિલ્મમાં પહેરવાની સાડીની પસંદગી



રાની મુખરજી તેની આમિર ખાન સાથેની આગામી ફિલ્મ ‘તલાશ’માં મધ્યમ વયની ગૃહિણી બની છે અને ફિલ્મમાં તેણે પોતાના પાત્રને ન્યાય આપવા માટે અલગ-અલગ પ્રકારની સાડીઓ પહેરી છે. સામાન્ય રીતે ફિલ્મના કલાકારોનાં કપડાંની પસંદગી ડ્રેસ-ડિઝાઇનર કરતા હોય છે, પણ આ ફિલ્મમાં રાનીએ જે સાડીઓ પહેરી છે એની પસંદગી તેણે પોતે એક સ્ટોરમાંથી કરી છે.

આ ઘટના વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલા ડિઝાઇનર મનોશી નાથ અને ઋષિ શર્મા કહે છે, ‘ફિલ્મમાં રાની મિડલ-ક્લાસ હાઉસવાઇફ બની છે અને એ વાતને ધ્યાનમાં રાખીને જ તેનો લુક તૈયાર કરવામાં આવ્યો છે. તે રોજબરોજના જીવનમાં પ્લેન સાડીઓ પહેરે છે. ફિલ્મમાં સાડી તેના મૂડનું અને સોશ્યલ સ્ટેટસનું પ્રતીક છે. અમારે રાની માટે સાડીની પસંદગી કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખવાની હતી. જોકે રાનીને એક સ્ટોરની સાડીઓ પસંદ પડી જતાં તેણે અમને ત્યાં મોકલ્યા હતા અને અમે એ સાડીઓનો સમાવેશ તેના ફિલ્મ માટેના વૉર્ડરોબમાં કર્યો છે. એ સિવાય અમે દિલ્હી અને જયપુરથી પણ કેટલીક હૅન્ડલૂમની સાડીઓ ખરીદી છે.’