28 September, 2025 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાનીએ જણાવ્યું હતું કે ‘આ નેકલેસ મારા માટે એ દિવસે મારી દીકરી આદિરાને મારી નજીક રાખવાનો એક રસ્તો હતો`
‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ માટે પોતાનો પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સ્વીકારતી વખતે રાની મુખરજીએ તેની ૧૦ વર્ષની દીકરી ‘આદિરા’ના નામનો નેકલેસ પહેર્યો હતો. હાલમાં એક ઇન્ટરવ્યુમાં રાનીએ આ નેકલેસ પહેરવા પાછળના કારણની ચર્ચા કરી હતી. રાનીએ જણાવ્યું હતું કે ‘આ નેકલેસ મારા માટે એ દિવસે મારી દીકરી આદિરાને મારી નજીક રાખવાનો એક રસ્તો હતો. આદિરા ઇવેન્ટમાં હાજરી આપવા માટે ઉત્સાહી હતી, પરંતુ જ્યારે તેને કહેવામાં આવ્યું કે આમાં ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને આવવાની મંજૂરી નથી ત્યારે તેનું દિલ તૂટી ગયું હતું. તે અપસેટ થઈને રડવા માંડી હતી, કારણ કે તે નૅશનલ અવૉર્ડ ફંક્શનનો ભાગ બનવા માગતી હતી. આ કારણસર મારી પાસે મારી દીકરીને ફંક્શનમાં મારી નજીક રાખવાનો એકમાત્ર રસ્તો મારી દીકરીના નામનો નેકલેસ પહેરવાનો હતો. તે મારું લકી ચાર્મ છે. હું તેને મારી સાથે રાખવા માગતી હતી.’
રાનીનો આ નેકલેસ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. એ વિશે વાત કરતાં રાનીએ કહ્યું હતું કે ‘હું એ બધાનો આભાર માનવા માગું છું જેમણે સોશ્યલ મીડિયા પર રીલ્સ બનાવી હતી અને એમાં લખ્યું હતું કે રાનીએ પોતાની દીકરીને સાથે રાખી હતી. મેં એ આદિરાને બતાવ્યું અને એ જોઈને તે શાંત થઈ ગઈ હતી.’
રાની મુખરજી શું કામ નથી સોશ્યલ મીડિયામાં? તેણે જણાવ્યું કારણ
રાની મુખરજી ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ જીત્યા પછી ચર્ચામાં છે. આ અવૉર્ડ જીતનાર સેલિબ્રિટીઓએ પોતાની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે, પણ રાની કોઈ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર નથી. હાલમાં એક ઇવેન્ટમાં રાનીએ પોતાના સોશ્યલ મીડિયા પર ન હોવાના કારણ વિશે જણાવ્યું છે. આ ઇવેન્ટમાં રાનીને જ્યારે સોશ્યલ મીડિયા પર ન હોવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘એ વાત સાચી છે કે હું સોશ્યલ મીડિયા પર નથી. મારા પતિને તેની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ થાય એ પસંદ નથી અને હું મારા ફૅન્સ પાસે ખોટું બોલવા નથી ઇચ્છતી. જો મારા ફૅન્સ મને પૂછે કે મારા પતિની તસવીર કેમ નથી પોસ્ટ કરતી તો હું એમ તો ન કહી શકુંને કે તે ‘મિસ્ટર ઇન્ડિયા’ છે.’