ઑપરેશન ખુકરીમાં જાંબાઝ મેજર જનરલ રાજપાલ પુનિયાની ભૂમિકા ભજવશે રણદીપ હૂડા

22 May, 2025 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૨૦૦૦માં વર્ષમાં પશ્ચિમ આફ્રિકાના એક દેશ સિએરા લિયોનમાં હાથ ધરાયેલા એક વાસ્તવિક સૈન્ય અભિયાન પર આધારિત છે

રણદીપ હૂડા, મેજર જનરલ રાજપાલ પુનિયા

રણદીપ હૂડા ‘જાટ’ની સફળતા બાદ હવે નેક્સ્ટ ફિલ્મમાં ભારતીય સેનાના એક બહાદુરીભર્યા મિશનને ફિલ્મના પડદા પર ન્યાય આપશે. આ ફિલ્મનું નામ છે ‘ઑપરેશન ખુકરી’. આ ફિલ્મ વાસ્તવિક જીવનમાં બનેલી ઘટના છે.

આ ફિલ્મ ૨૦૦૦માં પશ્ચિમ આફ્રિકાના એક દેશ સિએરા લિયોનમાં હાથ ધરાયેલા એક વાસ્તવિક સૈન્ય-અભિયાન પર આધારિત છે. અહીં ભારતીય સેનાના ૨૩૩ જવાનોને બળવાખોર દળોએ બંધક બનાવ્યા હતા. આ મિશન ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલાં સૌથી ખતરનાક અને બહાદુરીભર્યાં અભિયાનોમાંનું એક માનવામાં આવે છે. ફિલ્મમાં રણદીપ હૂડા મેજર જનરલ રાજપાલ પુનિયાની ભૂમિકા ભજવશે. મેજર જનરલ રાજપાલ પુનિયા મિશનના સમયે ૧૪મી મેકૅનાઇઝ્‍ડ ઇન્ફન્ટ્રીના કંપની કમાન્ડર હતા અને આ મિશનનું નેતૃત્વ કરી રહ્યા હતા.

રણદીપ હૂડાએ પોતાની આગામી ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘આ ફિલ્મની વાર્તા ફક્ત હથિયારો અને યુદ્ધની નથી પણ બહાદુરી, બલિદાન અને ભાઈચારાની છે. આ મારા માટે ગર્વની વાત છે કે હું એવા યોદ્ધાની ભૂમિકા ભજવી રહ્યો છું જેણે ૭૫ દિવસ સુધી દુશ્મનો વચ્ચે ફસાયેલા જવાનોને ન માત્ર જીવતા બહાર કાઢ્યા, પરંતુ ભારતના સૈન્ય ઇતિહાસમાં એક મહત્ત્વનું ચૅપ્ટર લખ્યું.’

‘ઑપરેશન ખુકરી’ની વાર્તા પેન્ગ્વિન રૅન્ડમ હાઉસ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત એક બેસ્ટસેલર પુસ્તક ‘ઑપરેશન ખુકરી : બ્લડ, ગટ્સ ઍન્ડ ગમ્પશન’ પર આધારિત છે જેના મૂવી રાઇટ્સ સત્તાવાર રીતે રાહુલ મિત્રા ફિલ્મ્સ અને રણદીપ હૂડા ફિલ્મ્સે ખરીદી લીધા છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ જોરશોરથી ચાલી રહ્યું છે અને એને મોટા પાયે શૂટ કરવામાં આવશે.

randeep hooda indian army upcoming movie bollywood bollywood news bollywood buzz entertainment news