સરબજિત સિંહના હત્યારાની હત્યા કરનારનો આભાર માન્યો રણદીપે

16 April, 2024 06:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરબજિત ભૂલથી પાકિસ્તાનની સીમામાં પ્રવેશી ગયો હતો. એ વખતે ત્યાંની પોલીસે તેના પર ભારતીય એજન્સીનો જાસૂસ હોવાનો આરોપ નાખ્યો હતો.

રંદીપ હુડ્ડા

પાકિસ્તાનની જેલમાં ૧૯૯૧થી બંધ સરબજિત સિંહની ૨૦૧૩માં અન્ય કેદી અમીર સરફરાઝે હત્યા કરી હતી. હવે એ જ કેદીની રવિવારે કોઈ અજાણી વ્યક્તિએ હત્યા કરતાં રણદીપ હૂડાએ તેનો આભાર માન્યો છે. સરબજિત ભૂલથી પાકિસ્તાનની સીમામાં પ્રવેશી ગયો હતો. એ વખતે ત્યાંની પોલીસે તેના પર ભારતીય એજન્સીનો જાસૂસ હોવાનો આરોપ નાખ્યો હતો. બાવીસ વર્ષ તેણે જેલમાં પસાર કર્યાં હતાં. તેની લાઇફ પર ઓમંગ કુમારે ૨૦૧૬માં આવેલી ‘સરબજિત’ નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં સરબજિતના રોલમાં રણદીપ હૂડા અને તેની બહેનના રોલમાં ઐશ્વર્યા રાય બચ્ચન જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ દરમ્યાન રણદીપ અને સરબજિતનાં બહેન દલબીર કૌર સાથેના સંબંધો ખૂબ ગાઢ બન્યા હતા. ૨૦૨૨માં દલબીર કૌરનું નિધન થતાં તેમને અંતિમ વિદાય આપવા માટે રણદીપ હાજર રહ્યો હતો. સરબજિતના હત્યારાના નિધનના સમાચાર મળતાં રણદીપ હૂડા કહે છે, ‘એ હત્યારાની હત્યાના સમાચાર સાંભળીને મને વિચાર આવે છે કે દલબીરજી જો હયાત હોત તો તેઓ આજે શું વિચારતાં હોત. મને ખાતરી છે કે તેમને પણ એવો એહસાસ થયો હોત કે આટલાં વર્ષો સુધી ન્યાય માટે લડત ચલાવ્યા બાદ થોડો ન્યાય સરબજિતને મળ્યો છે.’

સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર રણદીપે લખ્યું, ‘કર્મનું ફળ મળીને જ રહે છે પછી ભલે કોઈ અજાણી વ્યક્તિના માધ્યમથી મળે. એ અજાણી વ્યક્તિનો આભાર. આજે મારી બહેન દલબીર કૌરની યાદ આવી રહી છે.’

entertainment news bollywood buzz bollywood news randeep hooda pakistan aishwarya rai bachchan