27 February, 2024 06:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રંદીપ હૂડા
સ્વાતંય વીર સાવરકરના જીવન પર બનતી ફિલ્મમાં રણદીપ હૂડા લીડ રોલમાં દેખાવાનો છે. આ ફિલ્મ બાવીસ માર્ચે થિયેટરમાં હિન્દી અને મરાઠીમાં રિલીઝ થવાની છે. રણદીપે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. એ ફિલ્મમાં અંકિતા લોખંડે અને અમિત સિયાલ પણ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ દ્વારા તેમના જીવનનાં અનેક જાણ્યાં-અજાણ્યાં પાસાંઓ પર પ્રકાશ પાડવામાં આવશે. ૧૯૬૬ની ૨૬ ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું હતું. વીર સાવરકરે આંદામાન-નિકોબારની કાલાપાનીની જેલમાં અગિયાર વર્ષ પસાર કર્યાં હતાં. એ જેલનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રણદીપ હૂડાએ કૅપ્શન આપી હતી, ‘ભારત માતાના મહાન સપૂતની પૂણ્યતિથિ છે. સ્વાતંય વીર સાવરકર મહાન નેતા, નીડર સ્વાતંય સેનાની, રાઇટર, ફિલોસૉફર અને વિઝનરી હતા. એક એવા વ્યક્તિ જેમણે પોતાની સમજ, નીડરતા અને બહાદુરીથી બ્રિટિશને એટલા તો ડરાવ્યા હતા કે તેમણે સાવરકરને ૭ બાય ૧૧ ફુટની કાલા પાનીની જેલમાં બે વખત બંધ કર્યા હતા. તેમની બાયોપિકની રેકી કરતી વખતે મેં એ જેલમાં તેમના અનુભવનો એહસાસ કરવા માટે પોતાની જાતને લૉક કરી હતી. હું એમાં વીસ મિનિટ પણ રહી શક્યો નહોતો, પરંતુ તેમને એમાં અગિયાર વર્ષ સુધી એકાંત કારાવાસમાં બંધ કરવામાં આવ્યા હતા. મેં વીર સાવરકરની અતુલનીય મજબૂતીની કલ્પના કરી હતી કે જેમણે જેલની અંદર હિંસા અને અમાનવીય સ્થિતિને સહન કરી હતી. આમ છતાં તેમણે સશક્ત ક્રાંતિનું નિર્માણ કર્યું અને એને પ્રેરણા આપી હતી. તેમની દૃઢતા અને યોગદાન અવર્ણનીય છે. આમ છતાં અનેક દાયકાઓથી ભારત વિરોધી દળ તેમને બદનામ કરે છે.’