રણબીરે કૅન્સરગ્રસ્ત બાળકોને રાહ જોવડાવી

27 December, 2012 06:19 AM IST  | 

રણબીરે કૅન્સરગ્રસ્ત બાળકોને રાહ જોવડાવી



કૅન્સર હૉસ્પિટલમાં ફરતી વખતે તે જાણે ઘણા વખતથી સૂતો ન હોય એવો ઊંઘરેટો જણાતો હતો. એટલું જ નહીં, તે સાદું ટ્રૅક-પૅન્ટ અને ગંજી પહેરીને જ આવ્યો હતો. તે ઇવેન્ટમાં પણ સમય કરતાં ઘણો મોડો આવ્યો હતો. એવી વાતો ચાલતી હતી કે આગલા દિવસની મોડી રાત સુધીની પાર્ટીને કારણે તે ઊંઘમાં હોય એવું લાગતું હતું. તે ઇવેન્ટમાં લગભગ સાડાનવે હાજરી આપવાનો હતો, પણ તેની એન્ટ્રી છેક અગિયાર વાગ્યા પછી થઈ હતી. કૅન્સરગ્રસ્ત બાળકો પણ તેની રાહ જોતાં બેસી રહ્યાં હતાં. ટ્રૅક-પૅન્ટ, ગંજી અને જૅકેટમાં તે આવ્યો એ પછી પણ ખોવાયેલો હોય એવું લાગતું હતું.

રણબીર આમ તો ખૂબ મળતાવડો છે, પણ એ દિવસે તેણે ભેગાં થયેલાં બાળકો અને મિડિયા સાથે પણ ખૂબ ઓછી વાતચીત કરી હતી. બાંદરામાં બિલ્ડર સની અને અનુ દીવાનની વહેલી સવાર સુધી ચાલેલી ગ્રૅન્ડ પાર્ટી પછી તેના માટે સવાર બહુ વહેલી પડી ગયેલી. બાંદરાની પાર્ટીમાં તે રાતે સવાબે વાગ્યે આવેલો અને સવારે પાંચ વાગ્યા સુધી ત્યાં હતો. ત્યાં જબરા તાનમાં અને મૂડમાં હતો એટલે કદાચ બીજા દિવસની સવારની ઇવેન્ટ બાબતે ભૂલી ગયો હશે. તેણે ઇવેન્ટમાં બાળકોને તો રાહ જોતાં રાખ્યાં જ, સાથે મુંબઈના કમિશનર ઑફ પોલીસ સત્યપાલ સિંહ અને થાણેના કમિશનર ઑફ પોલીસ કે. પી. રઘુવંશીને પણ વેઇટ કરાવી હતી. જોકે જ્યારે આ વિશે તેના પબ્લિક રિલેશન્સ ઑફિસરને પૂછવામાં આવ્યું તો તેણે રણબીરના બચાવમાં કહ્યું કે ‘રણબીરને સાડાદસનો ટાઇમ આપવામાં આવેલો અને તે હાડ્ર્લી ૩૦ મિનિટ જેટલો મોડો હતો, કેમ કે ટ્રાફિક હતો.’