25 June, 2026 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
ક્રિતી સૅનન, શાહિદ કપૂર અને રશ્મિકા મંદાનાની ‘કૉકટેલ 2’ રિલીઝ થતાં જ દર્શકોને મૂળ ફિલ્મ ‘કૉકટેલ’ની યાદ તાજી થઈ ગઈ છે. ૨૦૧૨માં આવેલી આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સૈફ અલી ખાન અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મમાં સૈફની ઍૅક્ટિંગનાં બહુ વખાણ થયાં હતાં, પણ હકીકતમાં આ ફિલ્મ માટે સૈફ પહેલી પસંદ નહોતો. શરૂઆતમાં રણબીર કપૂરનો મુખ્ય ભૂમિકા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેણે ના પાડી દીધી હતી. સૈફે હવે રણબીરના ઇનકાર પાછળના કારણની ચર્ચા કરી છે.
આ સમગ્ર ઘટનાક્રમ વિશે વાત કરતાં સૈફે કહ્યું હતું કે ‘મને યાદ છે કે મારી પહેલાં તેમણે રણબીર કપૂર અને ઇમરાન ખાનને ફિલ્મ ઑફર કરી હતી. ઉપરાંત કેટલાક અન્ય કલાકારોનો પણ સંપર્ક કર્યો હતો. તેમણે ના પાડ્યા પછી તેઓ મારી પાસે આવ્યા અને મેં ફિલ્મ કરવા માટે હા પાડી. મને લાગે છે કે ફિલ્મમાં કામ કરનાર દરેક વ્યક્તિ ખુશ હશે કે મેં આ ફિલ્મ કરી. મને ફિલ્મ બનાવવાનો અનુભવ ખૂબ જ ગમ્યો. મને લાગે છે કે કદાચ દીપિકાનો ફિલ્મમાં મળેલા મજબૂત રોલને કારણે કેટલાક અભિનેતાઓએ ફિલ્મ સ્વીકારી નહોતી.’
કહેવાય છે કે રણબીરે પોતે ફિલ્મ નકારવા ઉપરાંત દીપિકાને પણ ફિલ્મ ન કરવાની સલાહ આપી હતી. જોકે દીપિકાએ પોતાની પસંદગી પર વિશ્વાસ રાખ્યો અને વેરોનિકાના પાત્ર દ્વારા પોતાની કરીઅરની ખાસ ઓળખ મેળવી.