ધૂમ 4માં રણબીર હશે એ કન્ફર્મ, શૂટિંગ શરૂ થશે એપ્રિલ ૨૦૨૬માં

14 January, 2025 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશરાજ ફિલ્મ્સે ફરી એક વખત મોટા પડદા પર ‘ધૂમ’ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. રણબીર કપૂર આ બૉલીવુડ બ્લૉકબસ્ટર ફ્રૅન્ચાઇઝીની આગામી સિરીઝનો હિસ્સો હશે એવી ઘણા સમયથી ચર્ચા હતી

રણબીર કપૂર

યશરાજ ફિલ્મ્સે ફરી એક વખત મોટા પડદા પર ‘ધૂમ’ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. રણબીર કપૂર આ બૉલીવુડ બ્લૉકબસ્ટર ફ્રૅન્ચાઇઝીની આગામી સિરીઝનો હિસ્સો હશે એવી ઘણા સમયથી ચર્ચા હતી, જે સાચી હતી. માહિતી મળી છે કે ‘ધૂમ 4’નું શૂટિંગ આવતા વર્ષે એપ્રિલ ૨૦૨૬માં શરૂ થશે અને રણબીર એને માટે નવો લુક અપનાવશે. જોકે એનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં રણબીર તેના હાલના બે પ્રોજેક્ટ પૂરા કરશે. ‘ધૂમ 4’ની પ્રોડક્શન-ટીમ હાલમાં આ ફિલ્મ માટે બે લીડ ઍક્ટ્રેસ અને એક વિલનને કાસ્ટ કરવામાં વ્યસ્ત છે.

હાલમાં રણબીર મુંબઈમાં આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વૉર’નું શૂટિંગ કરી રહ્યો છે. એ સિવાય તે નિતેશ તિવારીની ‘રામાયણ’માં ભગવાન રામના રોલમાં પણ જોવા મળશે.

ચર્ચા છે કે ‘ધૂમ 4’માં વિલનની ભૂમિકા માટે દક્ષિણ ભારતીય સુપરસ્ટારને કાસ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. એ માટે સૂર્યાનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. યશરાજ ફિલ્મ્સની સુપરહિટ ‘ધૂમ’ ફ્ર‍ૅન્ચાઇઝીની પહેલી ફિલ્મ ૨૦૦૪માં રિલીઝ થઈ હતી. એમાં જૉન એબ્રાહમ સાથે અભિષેક બચ્ચન અને ઉદય ચોપડા હતા. એ પછી ૨૦૦૬માં ‘ધૂમ 2’ આવી જેમાં હૃતિક રોશન, અભિષેક બચ્ચન અને ઉદય ચોપડા હતા. ૨૦૧૩માં રિલીઝ થયેલી ‘ધૂમ 3’માં આમિર ખાન ડબલ રોલમાં હતો અને તેની સાથે અભિષેક બચ્ચન તેમ જ ઉદય ચોપડા હતા.

ranbir kapoor yash raj films dhoom alia bhatt vicky kaushal bollywood bollywood news entertainment news upcoming movie