15 April, 2022 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શક્તિ કપૂર
રિશી કપૂરના ખાસ ફ્રેન્ડ શક્તિ કપૂરને તેમની યાદ આવી ગઈ હતી. તેનું કહેવું હતું કે જો આજે તેઓ જીવિત હોત તો ખૂબ ખુશ થાત અને નવપરિણીતને આશીર્વાદ આપત. તેમને યાદ કરતાં શક્તિ કપૂરે કહ્યું કે ‘મને એ વાતનું ખૂબ દુ:ખ થાય છે કે ચિન્ટુ આ લગ્નને ન જોઈ શક્યા. મને ખાતરી છે કે તેઓ ખૂબ ખુશ હશે, ડાન્સ પણ કરતા હશે અને આ કપલને આશિષ આપતા હશે. રણબીરે હજી લગ્ન કરવામાં મોડું ન કર્યું એ સારું થયું. આ જ યોગ્ય સમય છે કે રણબીરે લગ્ન કરી લીધાં. તેઓ આજે જીવિત હોત તો તમે કલ્પના પણ ન કરી શકો કે તેઓ કેવો ડાન્સ કરત. હું આંખો બંધ કરું છું તો મને દેખાય છે કે તેઓ પંજાબી સાફો પહેરીને ગેટ પર ઊભા રહીને લોકોનું સ્વાગત કરી રહ્યા છે.’
જમકર નાચે લડકેવાલે
કપૂર ખાનદાને ખૂબ ડાન્સ કર્યો હતો. તેમને કોરિયોગ્રાફર રાજેન્દ્ર સિંહ જે માસ્ટરજીના નામે ફેમસ છે તેણે ડાન્સ શીખવાડ્યો હતો. નીતુ કપૂરે ડાન્સિંગ ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો. એમાં કરિશ્મા કપૂર, નીતુ કપૂર, રીમા જૈન અને માસ્ટરજી છે. કયાં-કયાં ગીતો પર કપૂર ખાનદાને ડાન્સ કર્યો એ વિશે માસ્ટરજીએ કહ્યું કે ‘મેં જ તેમની કોરિયોગ્રાફી કરી હતી. એમાં ‘મેહંદી હૈ રચનેવાલી’, ‘ઢોલીડા’, ‘તેનુ લેકે મૈં જાવાંગા’ અને ‘ક્યુટીપાઇ’ ગીતો હતાં. દુલ્હા-દુલ્હન માટે આ સરપ્રાઇઝ હતી. માત્ર કપૂર ફૅમિલીએ જ પર્ફોર્મ કર્યું હતું. માહોલ ખુશનુમા હતો. હું આ પરિવારને પચીસ વર્ષથી જાણું છું. તેઓ મારા માટે પરિવાર સમાન છે, કોઈ પ્રોફેશનલ રિલેશન નથી.’