આદિત્ય ધર અને યામી ગૌતમની ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો ઈર્ષા કરે છે

15 March, 2026 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામ ગોપાલ વર્માએ કહ્યું કે ઈર્ષાળુઓ તેમના નિષ્ફળ થવાની રાહ જોઈ રહ્યા છે

અમિતાભ બચ્ચન અને રામ ગોપાલ વર્મા

ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ જોયા બાદ એના ડિરેક્ટર આદિત્ય ધરના મોટા પ્રશંસક બની ગયા છે. તે અગાઉ પણ અનેક વખત આદિત્ય ધરના કામની ખુલ્લેઆમ પ્રશંસા કરી ચૂક્યા છે. હવે ફરી એક વાર તેમણે આદિત્યની વધતી સફળતા અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના વલણ અંગે ખુલાસો કર્યો છે. રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે ‘આદિત્ય ધરની સફળતા જોઈને ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો આદિત્ય અને યામીની ઈર્ષા કરે છે. કેટલાક લોકો આદિત્ય અને યામીના નિષ્ફળ થવાની રાહ જોઈ રહ્યા છે. આ બધું તેમની વધતી સફળતાને કારણે છે. આદિત્યએ ફિલ્મ બનાવવાની પદ્ધતિમાં મોટા ફેરફાર કર્યા છે જેના કારણે ઘણા લોકોએ પોતાનો કમ્ફર્ટ ઝોન છોડવો પડી રહ્યો છે. હવે આદિત્ય અને યામીએ ખૂબ સાવધાનીથી આગળ વધવું પડશે, કારણ કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો તેમની સફળતામાં ખામી શોધવાની રાહ જોઈ રહ્યા છે.’

આવતા મહિને શરૂ થશે સરકાર 4નું શૂટિંગ: રામ ગોપાલ વર્માએ સરકાર સિરીઝની આગામી ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી દીધી

ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ તેમની ‘સરકાર’ સિરીઝની આગામી ફિલ્મ ‘સરકાર 4’ની સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે ફિલ્મના શૂટિંગ વિશે પણ માહિતી આપતાં કહ્યું હતું કે આવતા મહિને આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. જોકે ફિલ્મના કાસ્ટિંગ વિશે તેમણે હજી સુધી કોઈ માહિતી આપી નથી. રામ ગોપાલ વર્માના નિર્દેશનમાં બનેલી લોકપ્રિય ફિલ્મ ‘સરકાર’ના અત્યાર સુધી ૩ ભાગ આવી ચૂક્યા છે. આ રાજકીય ક્રાઇમ ડ્રામા પરની પહેલી ફિલ્મ ૨૦૦૫માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અમિતાભ બચ્ચન જોવા મળ્યા હતા. ફિલ્મની વાર્તા મહારાષ્ટ્રની રાજનીતિ અને ક્રાઇમની દુનિયા પર આધારિત હતી. આ પછી ૨૦૦૮માં ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થયો હતો જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજર આવ્યાં હતાં. ત્યાર બાદ લાંબા બ્રેક પછી ૨૦૧૭માં ફિલ્મનો ત્રીજો ભાગ ‘સરકાર 3’ રજૂ થયો હતો. હવે આ લોકપ્રિય ફ્રૅન્ચાઇઝીના ચોથા ભાગની જાહેરાત થઈ ગઈ છે.

ram gopal varma aditya dhar yami gautam dhurandhar sarkar 3 bollywood buzz bollywood news bollywood gossips bollywood amitabh bachchan