24 July, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાજેતરમાં જ રાકેશ રોશનની મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ગરદનની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી
૧૬ જુલાઈએ રાકેશ રોશનની મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ગરદનની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ઓપરેશન સફળ થયું હતું અને હવે તેઓ સ્વસ્થ છે તેમ જ તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો છે અને તેઓ ઘરે પહોંચી ગયા છે. ઘરે પહોંચ્યા પછી રાકેશ રોશને સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ કરીને તેમને થયેલી શારીરિક સમસ્યાની વિગતો અને હાલની સ્થિતિ શૅર કરી છે.
રાકેશ રોશને પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘આ અઠવાડિયું ખરેખર આંખો ખોલનારું રહ્યું છે. મારા રૂટીન ફુલ બૉડી હેલ્થ ચેકઅપ દરમ્યાન હાર્ટની સોનોગ્રાફી કરનાર ડૉક્ટરે સૂચવ્યું કે મારે ગળાની પણ સોનોગ્રાફી કરાવી લેવી જોઈએ. આ કરાવવાથી અમને બાય ચાન્સ ખબર પડી કે મગજને લોહી પહોંચાડતી મારી બન્ને કૅરોટિડ ધમનીઓ ૭૫ ટકાથી વધુ બ્લૉક થયેલી હતી અને આ સમસ્યાનાં કોઈ જ લક્ષણો જણાતાં નહોતાં. જો આ સમસ્યાને ઇગ્નૉર કરવામાં આવી હોત તો એ ભવિષ્યમાં કદાચ ખતરનાક બની શકત. મેં તરત જ હૉસ્પિટલમાં દાખલ થઈને એની સારવાર માટે જરૂરી પ્રક્રિયાઓ કરાવી. હવે હું સંપૂર્ણ રીતે સાજો થઈને ઘરે પાછો ફર્યો છું અને ટૂંક સમયમાં મારા વર્કઆઉટ-રૂટીનમાં પાછો ફરવાની આશા રાખું છું. હું ધારું છું કે આ અન્ય લોકોને તેમના સ્વાસ્થ્યનું અને ખાસ કરીને હાર્ટ અને મગજનું ધ્યાન રાખવાની પ્રેરણા આપશે. ૪૫-૫૦ વર્ષથી વધુ ઉંમરની દરેક વ્યક્તિએ હાર્ટ CT અને કૅરોટિડ બ્રેઇન આર્ટરી સોનોગ્રાફી (જે ઘણી વાર સંપૂર્ણપણે અવગણવામાં આવે છે) કરાવવી જોઈએ. મને લાગે છે પ્રિવેન્શન ઇઝ બેટર ધૅન ક્યૉર એ યાદ રાખવું જરૂરી છે. હું તમને બધાને સ્વસ્થ અને જાગૃત વર્ષની શુભેચ્છા પાઠવું છું.’