મુન્નાભાઈ અને સર્કિટનાં પાત્રો ભગવાન રામ અને ભગવાન હનુમાનથી છે પ્રેરિત

30 June, 2026 01:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકુમાર હિરાણીએ ૨૦૦૩માં ‘મુન્નાભાઈ MBBS’થી દિગ્દર્શક તરીકે ડેબ્યુ કર્યું હતું

સર્કિટ તથા મુન્નાભાઈની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી

‘મુન્નાભાઈ’ ફ્રૅન્ચાઇઝીને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો. એની બન્ને ફિલ્મો સુપરહિટ રહી હતી અને સર્કિટ તથા મુન્નાભાઈની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાણીએ ખુલાસો કર્યો છે કે આ બન્ને પાત્રો ભગવાન રામ અને ભગવાન હનુમાનથી પ્રેરિત છે. તેમનું કહેવું છે કે મુન્ના અને સર્કિટ વચ્ચેનો અનોખો સંબંધ જ ‘મુન્નાભાઈ’ ફ્રૅન્ચાઇઝીની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ છે. આ સંબંધ વિશે વાત કરતાં રાજકુમાર હિરાણીએ કહ્યું હતું કે ‘જો મુન્નાને કંઈ કહેવું હોય તો તેની પાસે આખી ગૅન્ગ હોવા છતાં તે સર્કિટને કહે છે કારણ કે સર્કિટ તેનો સૌથી વફાદાર મિત્ર છે. અમે વિચાર્યું હતું કે સર્કિટ હનુમાન જેવો છે અને મુન્ના તેના માટે ભગવાન રામ જેવો છે. તે કોઈ પ્રશ્ન પૂછશે નહીં. જો ‘ભાઈ’એ કંઈ કરવાનું કહી દીધું તો તે કોઈ પણ સવાલ કર્યા વગર એ કામ કરી દેશે.’

રાજકુમાર હિરાણીએ ૨૦૦૩માં ‘મુન્નાભાઈ MBBS’થી દિગ્દર્શક તરીકે ડેબ્યુ કર્યું હતું. આ પછી ૨૦૦૬માં એની સીક્વલ ‘લગે રહો મુન્નાભાઈ’ રિલીઝ થઈ હતી. બન્ને ફિલ્મોને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ બન્ને ફિલ્મોમાં સંજય દત્તે મિલનસાર ગુંડા મુન્નાનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે અર્શદ વારસીએ તેના વફાદાર સાથી સર્કિટનું પાત્ર નિભાવ્યું હતું.

rajkumar hirani munna bhai mbbs lage raho munnabhai upcoming movie arshad warsi sanjay dutt entertainment news bollywood bollywood news