26 October, 2026 04:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થિયેટરમાં ફિલ્મ જોવા પહોંચ્યા રજનીકાંત
સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની ફિલ્મો જોવા માટે થિયેટરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે. ચાહકોમાં ‘જેલર 2’ની લોકપ્રિયતાનો જબરદસ્ત ક્રેઝ છે. આ વખતે રજનીકાંત પોતે ૪૦ વર્ષ બાદ ચાહકોની વચ્ચે બેસીને પોતાની ફિલ્મ જોવા પહોંચ્યા હતા. આ ઘટનાનો એક વિડિયો પણ સોશ્યલ મીડિયા પર સામે આવ્યો છે. સુપરસ્ટાર થલાઇવાએ લગભગ ૪૦ વર્ષ બાદ આવું કર્યું છે.
શુક્રવારે રજનીકાંત કૅપ પહેરીને સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર સાથે ચેન્નઈના એક થિયેટરમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે ચાહકોની વચ્ચે બેસીને ‘જેલર 2’ જોઈ હતી. તેમના પૌત્ર લિંગા અને ફિલ્મના દિગ્દર્શક નેલ્સન દિલીપકુમાર પણ એ જ થિયેટરમાં હાજર હતા. નિર્માતાઓએ માહિતી આપી હતી કે સુપરસ્ટારે લગભગ ૪૦ વર્ષ બાદ પહેલી વાર ચાહકો સાથે મોટા પડદા પર પોતાની ફિલ્મ જોઈ છે.