કૂલી માટે ૨૮૦ કરોડ રૂપિયા ફી લઈને રજનીકાન્ત બન્યો એશિયાનો સૌથી મોંઘો ઍક્ટર

09 May, 2025 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મનું બજેટ ૪૦૦ કરોડ રૂપિયા છે અને એ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક ગણાઈ રહી છે.

રજનીકાન્ત (ફાઇલ તસવીર)

રજનીકાન્ત લાંબા સમયથી લોકેશ કનગરાજની ફિલ્મ ‘કૂલી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મને ૨૦૨૫ની તામિલ સિનેમાની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. હાલમાં ફિલ્મના નિર્માતાઓએ એનો એક પ્રોમો રિલીઝ કર્યો હતો, જેને શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. એક તરફ આ પ્રોમો ચર્ચામાં છે ત્યારે બીજી તરફ ફિલ્મ માટે રજનીકાન્તથી લઈને આમિર ખાન અને નાગાર્જુનની ફીની ચર્ચા થઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે રજનીકાન્તને ૨૬૦થી ૨૮૦ કરોડ રૂપિયા ફી મળી છે જેને કારણે તે એશિયાનો સૌથી મોંઘો ઍક્ટર બન્યો છે.

રજનીકાન્તને મેઇન લીડમાં ચમકાવતી ફિલ્મ ‘કૂલી’નું બજેટ ૪૦૦ કરોડ રૂપિયા છે અને એને ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક ગણવામાં આવી રહી છે. ફિલ્મમાં આમિર ખાનનો કૅમિયો છે અને નાગાર્જુન જેવો સ્ટાર પણ સેકન્ડ લીડમાં છે.

મળતી માહિતી પ્રમાણે ‘કૂલી’ માટે નાગાર્જુને પણ પોતાની ફી વધારી છે. તેને આ ફિલ્મ માટે ૨૪ કરોડ રૂપિયા મળી રહ્યા છે, જ્યારે આમિર ખાને ૨૫થી ૩૦ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. ફિલ્મમાં રજનીકાન્ત, નાગાર્જુન અને આમિર ખાન ઉપરાંત શ્રુતિ હાસન, સત્યરાજ અને ઉપેન્દ્ર રાવ પણ છે; પરંતુ તેમની ફીની વિગત મળી નથી. ‘કૂલી’માં પૂજા હેગડે પણ છે જે એક સ્પેશ્યલ ગીતમાં જોવા મળશે અને એને માટે તેણે બે કરોડ રૂપિયા લીધા છે.

rajinikanth aamir khan nagarjuna upcoming movie bollywood buzz bollywood news bollywood entertainment news