રાજેશ ખન્નાની સુપરહિટ આરાધનાની રીમેક બનાવવાનું પ્લાનિંગ

30 July, 2012 06:19 AM IST  | 

રાજેશ ખન્નાની સુપરહિટ આરાધનાની રીમેક બનાવવાનું પ્લાનિંગ

બૉલીવુડના સુપરસ્ટાર રાજેશ ખન્નાની કરીઅરે પ્રોડ્યુસર-ડિરેક્ટર શક્તિ સામંતાની ફિલ્મ ‘આરાધના’થી વેગ પકડ્યો હતો. હવે પ્રોડ્યુસર-ડિરેક્ટર અશિમ સામંતા લાંબા સમયથી આ ફિલ્મની રીમેક બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. હકીકતમાં તેઓ આ ફિલ્મનું શૂટિંગ ટૉમ ક્રૂઝને ચમકાવતી હૉલીવુડની ‘ટૉપ ગન’ની જેમ જ રિયલ ઍરબેઝના લોકેશન પર શૂટ કરવા માગતા હોવાને કારણે આ રીમેકમાં વાર થઈ રહી છે. આ ફિલ્મમાં ઍરપોર્ટ, પાઇલટ અને તેના ગેરકાયદે દીકરાની વાત હોવાને કારણે ઍરબેઝ આ ફિલ્મનું મહત્વનું લોકેશન છે.

આ મુદ્દે વાત કરતાં અશિમ સામંતા કહે છે, ‘જ્યારે મારા પિતા ‘આરાધના’ બનાવતા હતા ત્યારે તેઓ ઍરબેઝ ખાતે શૂટિંગ નહોતા કરી શક્યા, કારણ કે ત્યારે ફિલ્મમેકર માટે સંરક્ષણની દૃષ્ટિએ મહત્વની જગ્યાઓ પર શૂટિંગ માટે પરવાનગી મેળવવાનું અશક્ય હતું. હવે હું રીમેકનું શૂટિંગ રિયલ ઍરબેઝ પર કરીશ. મારા પિતાની જે ઇચ્છા અધૂરી રહી ગઈ હતી એ હું રીમેકમાં પૂરી કરીશ. હું ફિલ્મમાં મારા હીરોને ફાઇટર પ્લેનની સીક્વન્સમાં દેખાડીને ‘ટૉપ ગન’માં ટૉમ ક્રૂઝે દર્શકો પર જે છાપ છોડી હતી એવી છાપ ઊભી કરવા માગું છું.’

‘આરાધના’ની રીમેકમાં શક્તિ સામંતાનો પૌત્ર અને અશિમ સામંતાનો દીકરો આદિત્ય મૂળ ફિલ્મમાં રાજેશ ખન્નાએ કરેલો રોલ ભજવવાનો છે, પણ હજી હિરોઇનની પસંદગી નથી થઈ. આ ફિલ્મની સફળતાને પગલે રાજેશ ખન્નાનું નામ જાણીતું થઈ ગયું હતું. જોકે હવે રીમેકમાં લગ્ન વગર માતા બનનારી અને પછી વૃદ્ધાનો રોલ કરવા માટે કઈ સક્ષમ હિરોઇન તૈયાર થશે એ મોટો સવાલ છે. આ મુદ્દે વાત કરતાં અશિમ સામંતા કહે છે, ‘મારા પિતાને પણ આ ફિલ્મ માટે હિરોઇનની પસંદગી કરતી વખતે ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મ માટે અપર્ણા સેન લગભગ ફાઇનલ હતી, પણ તેણે છેલ્લી ઘડીએ આ ફિલ્મ કરવાની ના પાડી દેતાં આખરે શર્મિલા ટાગોરની પસંદગી થઈ હતી. આ ફિલ્મ વખતે તે વીસીમાં હોવા છતાં તેણે બહુ સરળતાથી ૬૦ વર્ષની વૃદ્ધાનો રોલ કર્યો હતો. મને આશા છે કે મારી ફિલ્મ માટે પણ આવી સક્ષમ હિરોઇન મળી શકશે. જો મને યુવાન અને વૃદ્ધાના રોલ માટે એક જ સક્ષમ ઍક્ટ્રેસ નહીં મળે તો એ માટે બે ઍક્ટ્રેસને સાઇન કરવામાં આવશે, પણ હીરોનો તો ડબલ રોલ જ રહેશે.’

ફિલ્મનાં ગીતો વિશે તેઓ કહે છે, ‘આરાધના’ની રીમેકમાં મૂળ ફિલ્મના ‘રૂપ તેરા મસ્તાના’, ‘મેરે સપનોં કી રાની’, ‘બાગોં મેં બહાર હૈ’ અને ‘ગુનગુના રહૈં હૈ ભંવરે’ જેવાં સદાબહાર ગીતો એમનાં એમ જ રાખવામાં આવશે, પણ એનું રેકૉર્ડિંગ નવી ટેક્નૉલૉજીથી કરવામાં આવશે. અમે સદાબહાર ક્લાસિક સૉન્ગ સાથે કોઈ છેડછાડ કરવા નથી માગતા જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.’