"હું જ રાજેશ ખન્નાની કાયદેસરની પત્ની છું"

02 December, 2012 04:55 AM IST  | 

"હું જ રાજેશ ખન્નાની કાયદેસરની પત્ની છું"



દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્નાની લિવ-ઇન પાર્ટનર હોવાનો દાવો કરતી અનીતા અડવાણીએ ખન્નાપરિવાર સામે દાખલ કરેલા ડોમેસ્ટિક વાયલન્સના કેસને રદબાતલ કરવા રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયાએ બૉમ્બે હાઈ કોર્ટમાં પિટિશન કરી છે. આ પિટિશન વિશે આવતી કાલે જસ્ટિસ કે. યુ. ચાંદીવાલની કોર્ટમાં સુનાવણી હાથ ધરાય એવી શક્યતા છે.

રાજેશ ખન્નાના મૃત્યુ બાદ અનીતા અડવાણીએ તેમના કાર્ટર રોડ પર આવેલા ‘આર્શીવાદ’ બંગલો પર દાવો કર્યો હતો. રાજેશ ખન્નાના મૃત્યુના એક મહિના પહેલાં જ તેને આર્શીવાદ બંગલોમાંથી કાઢી મૂકવામાં આવી હોવાની ફરિયાદ અનીતા અડવાણીએ પોતાની પિટિશનમાં કરી હતી. અનીતાએ રાજેશ ખન્નાના બંગલોમાં હિસ્સો અને દર મહિને ભરણપોષણનો દાવો કર્યો હતો. આના પગલે ડિમ્પલ કાપડિયાએ કરેલી પિટિશનમાં જણાવવામાં આવ્યું છે કે ‘હું જ રાજેશ ખન્નાની કાયદેસરની પત્ની છું અને એથી મારા પતિના મૃત્યુ બાદ તેઓ જે સંપત્તિ મૂકી ગયા છે એમાં બીજી કોઈ મહિલા ભાગ ન માગી શકે. અનીતા અડવાણીએ કરેલી ફરિયાદને આધારે બાંદરા મેટ્રોપૉલિટન ર્કોટે ૪ ડિસેમ્બરે અક્ષયકુમાર, ડિમ્પલ કાપડિયા અને તેની બન્ને દીકરીઓ ટ્વિન્કલ તેમ જ રિન્કી ખન્નાને કોર્ટમાં હાજર રહેવાના આપેલા આદેશને પણ ડિમ્પલ કાપડિયાએ પડકાર્યો છે.

ડિમ્પલે દલીલ કરી છે કે મૅજિસ્ટ્રેટે આવા આધાર વગરના આક્ષેપોને મહત્વ આપવાની જરૂર નહોતી. ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટ હેઠળ અનીતા અડવાણીએ કરેલી ફરિયાદની થયેલી સુનાવણી દરમ્યાન મૅજિસ્ટ્રેટ એસ. એસ. દેશપાંડેએ બન્ને પાર્ટીઓને સમાધાન કરવાની સલાહ આપી હતી એની સામે પણ ડિમ્પલે વિરોધ કર્યો છે. જો ખન્નાપરિવાર તૈયાર હોય તો તેઓ તરત મિડિયેટર (તટસ્થ વ્યક્તિ)ને કેસ સોંપી દેવા તૈયાર છે એવા મૅજિસ્ટ્રેટના સજેશનને પણ ડિમ્પલે કારણ વગરનું જણાવ્યું હતું.

ડિમ્પલ કાપડિયાની સાથે જ તેના જમાઈ અક્ષયકુમારે પણ બૉમ્બે હાઈ કોર્ટમાં પિટિશન કરી છે કે રાજેશ ખન્નાની ૫૦૦ કરોડ રૂપિયાની પ્રૉપર્ટીમાં ભાગ માગવાનો અડવાણીને કોઈ અધિકાર નથી. રાજેશ ખન્નાની બન્ને દીકરીઓ ટ્વિન્કલ ખન્ના ઉર્ફે ટ્વિન્કલ રાજીવ ભાટિયા, રિન્કી ખન્ના ઉર્ફે રિન્કી સરન પણ આ પ્રકારની પિટિશન કરવાની તૈયારીમાં છે.