કાકાજી બહુ ખુદ્દાર માણસ હતા અને તેમણે અક્ષય પાસેથી કાણી કોડીની મદદ નથી લીધી

18 September, 2012 06:50 AM IST  | 

કાકાજી બહુ ખુદ્દાર માણસ હતા અને તેમણે અક્ષય પાસેથી કાણી કોડીની મદદ નથી લીધી




(ઇન્ટરવ્યુ)

દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી લિવ-ઇન પાર્ટનર હોવાનો દાવો કરનારાં અનીતા અડવાણી સાથે તાજેતરમાં મુલાકાત થઈ ત્યારે તેમની વાતચીત પરથી લાગતું હતું કે તેઓ હજી પણ રાજેશ ખન્નાના અવસાનના આઘાતમાંથી બહાર નથી આવી શક્યાં. ‘મિડ-ડે’ સાથેની આ ખાસ વાતચીતમાં તેમણે સુપરસ્ટાર અને તેમના પરિવાર સાથેનાં પોતાનાં સંસ્મરણો વાગોળ્યાં છે.

રાજેશ ખન્ના વગરના તમારા નવા જીવન સાથે તમારો તાલમેલ થઈ ગયો છે?

હજી હું તાલમેલ સાધી નથી શકી અને મારા જીવનમાં બહુ મોટો શૂન્યાવકાશ ઊભો થઈ ગયો છે. હું બહુ એકલતા અનુભવું છું. આ બહુ ભયાનક લાગણી છે. હું નથી ઇચ્છતી કે મારા દુશ્મનને પણ આવું દુ:ખ સહન કરવું પડે.

તો પછી છેલ્લાં દસ વર્ષમાં તમે રાજેશ ખન્ના સાથે લગ્ન કેમ ન કરી લીધાં?

અમારા સંબંધના શરૂઆતના તબક્કામાં જ મને અહેસાસ થઈ ગયો હતો કે અમારાં લગ્ન શક્ય નથી, કારણ કે તેઓ ડિમ્પલજીથી માત્ર સેપરેટ થયા હતા અને તેમના ડિવૉર્સ નહોતા થયા. હું અમારા સંબંધના સ્વરૂપથી ખુશ હતી. હું તેમના માટે પત્ની જેવી જ હતી. મેં તેમના માટે બધાનો ત્યાગ કર્યો છે. તેઓ બહુ ડિમાન્ડિંગ હતા. હું કરિયાણાની દુકાનમાં જાઉં કે પછી મૉલમાં જાઉં, પણ તેઓ હંમેશાં મારી સાથે સતત ફોન પર વાત કરવાનો આગ્રહ રાખતા હતા.

એવી ચર્ચા છે કે રાજેશ ખન્નાના જમાઈ અક્ષયકુમાર તેમનો ‘આર્શીવાદ’ બંગલો પોતાના માટે ઇચ્છતા હતા. શું આ સાચું છે?

આ બહુ અંગત વાત છે અને હું એની જાહેરમાં ચર્ચા કરવાનું પસંદ નહીં કરું. આટલાંબધાં વર્ષોમાં અક્ષય માત્ર એક વાર અહીં નજીકમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે ઘરે લંચ લેવા માટે આવ્યો છે.

કહેવાય છે કે રાજેશ ખન્ના ફાઇનૅન્શિયલી મુસીબતમાં હતા ત્યારે અક્ષયે તેમને મદદ કરી હતી...

કાકાજી બહુ ખુદ્દાર માણસ હતા. શું તમને લાગે છે કે તેમણે ક્યારેય પોતાની દીકરીના પતિ પાસેથી મદદ લેવાનું પસંદ કર્યું હોય? તેમણે અક્ષય પાસેથી કાણી કોડી નથી લીધી.

ડિમ્પલ, ટ્વિન્કલ અને રિન્કી જ્યારે ઘરે આવતાં ત્યારે તમારી વાત થતી હતી?

હા, તેઓ જ્યારે આવતાં હતાં ત્યારે અમે વાતો કરતાં. હું તેમના માટે જમવાનું બનાવતી અથવા તો બહારથી ઑર્ડર કરતી. જો તેમને કિચનમાંથી કંઈ જોઈતું હોય તો હું જઈને તેમના માટે લઈ આવતી, કારણ કે તેમને વસ્તુઓ ક્યાં રાખવામાં આવી છે એનો અંદાજ નહોતો.

હવે રાજેશ ખન્નાના બંગલાનું નામ ‘વરદાન આર્શીવાદ’ થઈ ગયું છે...

જો કાકાજી એનું નામ વરદાન કરવા ઇચ્છતા હોત તો તેમણે એવું કરી જ નાખ્યું હોત.

શું તમે તેમની ફિલ્મો જોઈને તેમને યાદ કરો છો?

હું તેમની ફિલ્મો નથી જોતી. મારામાં એ હિંમત જ નથી. જ્યારથી તેમનું અવસાન થયું છે ત્યારથી હું કાર્ટર રોડ પરથી પણ પસાર નથી થઈ શકી.

તમારો ઘરખર્ચ કઈ રીતે ચાલે છે?

મારો પોતાનો ફૅમિલી બિઝનેસ અને રોકાણો છે. હું ઇચ્છું છું કે ‘આર્શીવાદ’ મ્યુઝિયમમાં ફેરવાઈ જાય.