...તો દીવારમાં રાજેશ ખન્ના ને નવીન નિશ્ચલ હીરો તરીકે જોવા મળ્યા હોત!

21 January, 2020 12:07 PM IST  |  Mumbai | Ashu Patel

...તો દીવારમાં રાજેશ ખન્ના ને નવીન નિશ્ચલ હીરો તરીકે જોવા મળ્યા હોત!

દીવાર

સલીમ-જાવેદે જ્યારે ‘દીવાર’ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી એ વખતે તેમના મનમાં હીરો તરીકે શત્રુઘ્ન સિંહાનું પાત્ર હતું. તેઓ એ વખતે આક્રમક પાત્રો  ભજવવા માટે જાણીતા હતા. પરંતુ સલીમ - જાવેદે જ્યારે ૪૫ દિવસમાં જ એ ફિલ્મની બાઉન્ડ સ્ક્રિપ્ટ તૈયાર કરીને યશ ચોપડાને આપી ત્યારે યશ ચોપડાએ તેમને કહ્યું કે આ ફિલ્મ માટે મારા મનમાં હીરો તરીકે રાજેશ ખન્નાનું નામ છે. પણ સલીમ-જાવેદને એ વખતે રાજેશ ખન્ના સાથે ઝઘડો થઈ ચૂક્યો હતો અને તેમણે કહ્યું કે રાજેશ ખન્નાને માટે આ સ્ક્રિપ્ટ અમે નહીં આપીએ. એટલે પછી યશ ચોપડાએ અમિતાભ બચ્ચનને ‘દીવાર’ના હીરો બનાવવાનું નક્કી કર્યું અને અમિતાભને વિજયનો રોલ અને તેના ભાઈ રવિનો રોલ નવીન નિશ્ચલને આપવો એવું નક્કી થયું.
 
નવીન નિશ્ચલે અગાઉ એ ફિલ્મ માટે હા પાડી હતી, કારણ કે નવીન નિશ્ચલને સેકન્ડ લીડમાં રાજેશ ખન્નાની સાથે રહેવામાં વાંધો નહોતો; પણ તેમને જ્યારે ખબર પડી કે યશ ચોપડા અમિતાભ બચ્ચનને હીરો તરીકે રાખવા માગે છે અને સેકન્ડ હીરોનો રોલ તેમને આપવા માગે છે ત્યારે તેમણે એ ફિલ્મમાં અભિનય કરવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે અમિતાભ બચ્ચન જે ફિલ્મમાં હીરો હોય એમાં બીજા હીરોનો રોલ હું નહીં કરું!
 
એ વખતે અમિતાભ બચ્ચનની કોઈ પણ ફિલ્મ સફળ થઈ નહોતી. તેમની ઘણીબધી ફિલ્મો નિષ્ફળ જઈ ચૂકી હતી અને તેમને કોઈ ગંભીરતાથી લેતું નહોતું. 

નવીન નિશ્ચલે અમિતાભ બચ્ચનની સાથે સેકન્ડ હીરો  બનવાની ના પાડી એટલે યશ ચોપડાએ એ રોલ શશિ કપૂરને ઑફર કર્યો. શશિ કપૂરે એ રોલ સ્વીકારી લીધો. એ ફિલ્મ બની અને સુપરહિટ થઈ ગઈ અને અમિતાભ બચ્ચનનો સુપરસ્ટાર તરીકે ઉદય થયો અને અમિતાભ બચ્ચનની ચડતી સાથે રાજેશ ખન્નાની પડતી શરૂ થઈ.
 
‘દીવાર’માં અમિતાભ  બચ્ચનની માતાના રોલમાં રાખીને સાઇન કરવાનું યશ ચોપડાએ વિચાર્યું હતું, પરંતુ અમિતાભ બચ્ચન એ વખતે ‘કભી કભી’ ફિલ્મ રાખી સાથે કરવાના હતા જેમાં રાખી તેમની પ્રેમિકા બનવાની હતી. એટલે ‘દીવાર’માં અમિતાભની માતા તરીકેનો રોલ રાખીને અપાય તો ‘કભી કભી’ ફિલ્મ પર એની નેગેટિવ અસર પડે એમ હતી. એટલે એ વિચાર યશ ચોપડાએ માંડી વાળ્યો હતો.

આ પણ વાંચો : અજય દેવગને તાન્હાજી જોવા બદલ આર્મી, નેવી અને ઍર ફોર્સના ચીફનો આભાર માન્યો
 

બાય ધ વે, ‘દીવાર’ ફિલ્મ લખવા માટે સલીમ-જાવેદે આઠ લાખ રૂપિયા ફી લીધી હતી. એ વખતે મોટા ભાગના હીરોને પણ એટલી ફી મળતી નહોતી!

deewar amitabh bachchan rajesh khanna shashi kapoor